Jalaram bapa swami vivad : આખરે બડબોલા સ્વામી જલારામ બાપાના ચરણે, જ્ઞાનપ્રકાશે વિરપુર આવીને માફી માંગી
Jalaram bapa swami vivad : બકવાસ અને બફાટ કરવા માટે કુખ્યાત સ્વામિનારાયણના સાધુઓના એક પછી એક બફાટ ચાલી રહ્યાં છે. આ ક્રમમાં જ જલારામ બાપા જેવા સંત વિશે બફાટ કરનારા કથિત સાધુને વિરપુર પહોંચીને માફી માંગવી પડી છે.
સુરતના અમરોલીમાં આપેલી ટિપ્પણીના કારણે જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપાના ઇતિહાસ વિશે આપેલા નિવેદનને લઈને વિવાદ ઉભો થયો હતો.

આ નિવેદન બાદ ભક્તોએ વિરોધ નોંધાવ્યો અને સ્વામી જ્ઞાનપ્રકાશને વિરપુર આવી માફી માગવાની માંગણી કરી હતી.
વિરોધના કારણે સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્વામી જ્ઞાનપ્રકાશને વિરપુર લવાયા હતા. અહીં તેમણે બ્લેક કલરની સ્કોર્પીયોમાં લાવવામાં આવ્યા અને મીડિયાની નજરથી બચાવવા માટે મંદિરના પાછળના ભાગેથી સીધા મંદિરમાં લઇ જવાયા. જ્યાં તેમણે જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી માફી માંગી.
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સ્વામી જ્ઞાનપ્રકાશે કહ્યું હતું કે, જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. તેમના મતે, ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતા.
જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતા અને ગુરુએ તેમને આશિર્વાદ આપતા જણાવ્યું કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.
આ નિવેદનને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો અને સ્વામી જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ વિરપુરમાં વિરોધ થયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સ્વામી જ્ઞાનપ્રકાશે માફી માંગી હોવાથી વિવાદ શમવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
