જાપાન પ્રવાસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે રોડ શો યોજ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શો યોજ્યો હતો.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાઇ રહેલી ૧૦મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જાપાનના ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શો માં કરી હતી.
તેમણે જણાવ્યું કે, જાપાન સમગ્ર વિશ્વમાં આધુનિક ટેકનોલોજી અને પ્રાચીનતમ સંસ્કૃતિ માટે મશહૂર છે. આ પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં ઉદ્યોગકારોનો સહયોગ મહત્વપૂર્ણ છે. ભારત અને જાપાન બેય દેશો માનવતા અને આધુનિકતાના સિદ્ધાંતમાં માને છે. એટલું જ નહીં, ગુજરાતે તો વિકાસના રોલ મોડલ અને પોલીસી ડ્રિવન સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને નવી ઊંચાઈ મળશે.
જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO) ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કાઝુયા નાકાજો અને JETRO ના ડાયરેક્ટર જનરલ તાકેહિકો ફુરુકાવાએ ગુજરાતે સાધેલા નોંધપાત્ર વિકાસની તેમજ ભારતમાં ગુજરાતે ઊભા કરેલા સ્થાનની સરાહના કરી. તેમણે વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમમાં ગુજરાતની અભિન્ન ભૂમિકાને હાઇલાઇટ કરી હતી. ફુરુકાવાઓ જણાવ્યું કે ગુજરાત રાજ્યના આ વિકાસનું કારણ ડબલ એન્જિન સરકાર છે.
સુઝુકીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કેનિચી આયુકાવાએ ગુજરાતમાં કામ કરવા અંગેની સફળતાની વિગતો આપતાં ગુજરાત વિશેના તેમના હકારાત્મક અનુભવને શેર કર્યા. આયુકાવાએ અપેક્ષા વ્યક્ત કરી કે, આગામી સમયમાં ફળદાયી પરસ્પર ચર્ચાઓ ગુજરાત અને જાપાન વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવશે.
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના ડિરેક્ટર કુબોટા કેજીએ ગુજરાતમાં તેમના રોકાણો અને સ્ટીલ ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સાથે ગુજરાતમાં તેમની ક્ષમતા વિસ્તારવાની ભાવિ યોજનાઓ વિશે વાત કરી હતી. તેમણે કંપની દ્વારા અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી પર ભાર મૂક્યો હતો.












Click it and Unblock the Notifications
