ગુજરાતમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ, ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓને બચાવવા સરકાર સજ્જ
Makar Sankranti 2026: ઉત્તરાયણના પર્વ પર પતંગની ઘાતક દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'કરૂણા અભિયાન' શરૂ કરવામાં આવી રહ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં આ અભિયાન ચલાવવામાં આવશે.

9 વર્ષમાં 1.12 લાખથી વધુ જીવોને મળ્યું નવજીવન
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતનું આ 'કરૂણા અભિયાન' મોડલ આજે આખા દેશ માટે પથદર્શક બન્યું છે. છેલ્લા 9 વર્ષમાં આ અભિયાન હેઠળ રાજ્યભરમાં 1.12 લાખથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને નવું જીવન આપવામાં આવ્યું છે.
સારવાર માટે રાજ્યવ્યાપી નેટવર્ક તૈયાર
આ વર્ષે પક્ષીઓની સારવાર અને બચાવ માટે વન વિભાગ અને પશુપાલન વિભાગે ખાસ તૈયારીઓ કરી છે.
- કલેક્શન સેન્ટર: સમગ્ર રાજ્યમાં 450 જેટલા સેન્ટરો કાર્યરત થશે.
- કંટ્રોલરૂમ: 85 જેટલા કંટ્રોલરૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.
- સારવાર કેન્દ્રો: 480થી વધુ કેન્દ્રો પર પક્ષીઓની સારવાર થશે.
- તજજ્ઞોની ટીમ: 740થી વધુ વેટરનરી ડોક્ટરો અને 8,500થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.
કઈ રીતે મેળવશો મદદ? (હેલ્પલાઇન નંબર)
જો તમને ક્યાંય પણ ઘાયલ પક્ષી જોવા મળે, તો તમે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.
- કરૂણા એમ્બ્યુલન્સ: 1962 ડાયલ કરો.
- વોટ્સએપ હેલ્પલાઇન: 83200 02000 નંબર પર "Hi" લખીને મોકલવાથી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મળશે.
- સમયગાળો: સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી દરેક તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.
નાગરિકોને ખાસ અપીલ: સવાર-સાંજ પતંગ ન ચગાવો
વન રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ નાગરિકોને અપીલ કરી છે કે:
- ચાઈનીઝ દોરીનો ત્યાગ: પક્ષીઓ અને મનુષ્યો માટે જીવલેણ એવી ચાઈનીઝ દોરી કે માંજાનો ઉપયોગ બિલકુલ ન કરવો.
- પક્ષીઓના ઉડવાનો સમય: સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પક્ષીઓ આકાશમાં વધુ વિચરતા હોય છે, તેથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ.
સંદેશ: તમારી મજા કોઈના માટે સજા ન બને તે રીતે ઉત્તરાયણની ઉજવણી કરી અબોલ જીવો પ્રત્યે કરૂણા દાખવો.












Click it and Unblock the Notifications
