
દેવભૂમિ દ્વારકામાંથી 350 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં ખંભાળિયામાં આવેલા આરાધના ધામ પાસેથી એક ખાનગી કારમાંથી અંદાજિત 66 KG ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ડ્રગ્સની કિંમત 350 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ સમુદ્ર માર્ગે ગુજરાતમાં લવાયું હોવાની બાતમી પોલીસને મળી હતી.
પોલીસને મળેલી બાતમીને આધારે દ્વારકા SOG અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ મુદ્રા પોર્ટ પર અંદાજિત 3000 KG ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.
દેવભૂમિ દ્વારકા પોલીસની સતર્કતાને કારણે વર્તમાન સમયમાં ડ્રગ્સ માફિયાઓની ઉંઘ હરામ થઇ છે. રાજ્યમાં એક પછી એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતા નશાખોરોની હાલત દયનીય થઈ ગઇ છે. આ સાથે જ દેશમાં નશાયૂક્ત પદાર્થો વેચવાનો પાકિસ્તાનના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે.
નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસમાં સુરત અને અમદાવાદમાંથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જે બાદ 10 નવેમ્બરના રોજ 16 કિલો હેરોઈન સાથે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપાયો છે.