લોથલના વિકાસ માટે ગુજરાત સરકારે ટેન્ડર મંગાવ્યા, 196.88 ચોરસ કિલોમીટર વિસ્તાર વિકસાવાશે
ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ (GTPCL) દ્વારા લોથલ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે બિડ મંગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય લોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના વિસ્તારોનો આયોજનબદ્ધ વિકાસ કરવાનો છે.
આ માસ્ટર પ્લાન અંતર્ગત કુલ આઠ ગામોના આશરે 196.88 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા, રોડ નેટવર્ક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકાશે.

લોથલ ખાતે બની રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને કારણે અહીં પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા છે. આથી પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને ક્લાઈમેટ-રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે.
આ સમગ્ર પ્રોજેક્ટને નવ મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે વિવિધ તબક્કામાં વહેંચાયેલું હશે. શરૂઆતના ત્રણ મહિનામાં સાઇટ સર્વે કરી વર્તમાન સ્થિતિનું આકલન કરવામાં આવશે અને જરૂરી ડેટા એકત્ર કરાશે.
ત્યારબાદ છ મહિનાની અંદર તમામ સેક્ટર્સને આવરી લેતો પ્રાથમિક માસ્ટર પ્લાન અને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવશે. અંતિમ તબક્કે એન્જિનિયરિંગ ડિઝાઇન, GIS મેપિંગ અને વિગતવાર રિપોર્ટ રજૂ કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની પસંદગી ગુણવત્તા અને ખર્ચના આધારે (QCBS પદ્ધતિ) કરવામાં આવશે, જેમાં ટેકનિકલ કુશળતાને પ્રાધાન્ય અપાશે. પેમેન્ટની પ્રક્રિયા પણ કામના વિવિધ તબક્કાઓ અને તેની મંજૂરી સાથે સીધી રીતે જોડાયેલી રહેશે.આ માસ્ટર પ્લાન દ્વારા લોથલના પ્રાચીન વારસાની સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધવામાં આવશે, જે પ્રવાસન અને ઉદ્યોગને વેગ આપશે. કુદરતી જળસ્ત્રોતોનું પુનઃજીવન અને ડ્રેનેજ સિસ્ટમ મજબૂત કરી પર્યાવરણને સુરક્ષિત રાખવાનો આ એક મહત્વનો પ્રયાસ છે.












Click it and Unblock the Notifications
