બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે વાવાઝોડુ, જાણો ગુજરાત પર કેટલો ખતરો?
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે. આ વિસ્તાર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, જેના પરિણામે ચક્રવાત સર્જાઈ શકે છે. બીજી તરફ, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ સોમાલિયા તરફ આગળ વધવાની સંભાવના હોવાથી તેની ગુજરાત પર કોઈ અસર નહીં થાય.

જો કે, બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ ગુજરાતના હવામાનમાં ફેરફાર લાવી શકે છે. હવામાન વિભાગે ૨૫ નવેમ્બર પછી ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમની દિશા અને મજબૂતાઈ પર ચક્રવાતની તીવ્રતા નિર્ભર રહેશે.
અહેવાલો અનુસાર, ૨૧ નવેમ્બર અથવા ૨૨ નવેમ્બર દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર વિકસી શકે છે. આ સિસ્ટમ રચના પછી સતત મજબૂત બનશે અને પહેલા ઊંડા ડિપ્રેશનમાં ત્યારબાદ ઝડપથી ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.
અહેવાલમાં જણાવાયું છે કે, વાવાઝોડામાં ફેરવાયા પછી તે પૂર્વ કિનારા તરફ આગળ વધી શકે છે, જેની સૌથી મોટી અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જોવા મળી શકે છે. ઠંડી અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ધીમો વધારો થઈ શકે છે.
સ્કાયમેટ વેધરના મતે, જો વાવાઝોડું રચાય છે તો તે ૨૭ થી ૨૯ નવેમ્બરની વચ્ચે જમીન પર ટકરાઈ શકે છે.
હવામાનશાસ્ત્રીઓ અનુસાર, વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ત્યારે જ મળશે જ્યારે સિસ્ટમ ૨૪ નવેમ્બરની આસપાસ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનના સ્તરે પહોંચશે. જો તે રચાય છે, તો તે આ સિઝનમાં બંગાળની ખાડીમાં બીજું ચક્રવાતી તોફાન હશે.
IMD અનુસાર, ૨૨ નવેમ્બરના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે, જે ૨૪ નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે. ત્યારબાદ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે.
જણાવી દઈએ કે, આંદામાન સમુદ્ર અને ઉત્તર બંગાળની ખાડીમાં બનતા તોફાનો ઘણીવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે. જો કે, હાલમાં જે સિસ્ટમ બની રહી છે તે વિષુવવૃત્તની ખૂબ નજીક હોવાથી તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ વળે તેવી શક્યતા વધુ છે.
જો વાવાઝોડું વિકસે છે તો તેનું નામ સેન્યાર રાખવામાં આવશે, જે સંયુક્ત આરબ અમીરાત દ્વારા આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના પછી આ સિસ્ટમ ૨૩ થી ૨૪ નવેમ્બરની વચ્ચે દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી પર એક મજબૂત ડિપ્રેશનમાં તીવ્ર બનશે.
ત્યારબાદ તે ૨૫ થી ૨૬ નવેમ્બરની વચ્ચે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બની શકે છે. જોકે, હવામાનશાસ્ત્રીઓએ સ્પષ્ટતા કરી છે કે નીચા દબાણવાળા ક્ષેત્ર તોફાનમાં વિકસે છે કે કેમ તે અંગેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી.












Click it and Unblock the Notifications
