મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબી-રાજકોટ રોડ પર નિર્મિત કરસનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યપાલે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાજતે ગાજતે યોજવામાં આવેલી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સાથે લાવવામાં આવેલા યજ્ઞજ્યોતને ભાવપૂર્વક આવકારીને યજ્ઞવેદીમાં સમર્પિત કરીને લેડી ગવર્નર દર્શનાદેવી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં સહભાગી થયાં હતા.

શોભાયાત્રા દરમિયાન ભાવિકો મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત સત્યાર્થ પ્રકાશ ગ્રંથ તથા જ્યોત સાથે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયાં હતા. કાર્યક્ર્મ સ્થળે રાજ્યપાલે ગૌ પૂજન કરી ધ્વજારોહણ કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં સ્મરણોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલા સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન, કાર્ય અને તેમના સંદેશ પર આધારિત વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈને રસપૂર્વક નિહાળ્યું હતું.
આ પ્રદર્શનમાં આર્ય સમાજની સ્થાપના અને વિકાસ તેમજ મહર્ષિની ભારત વર્ષની યાત્રા દર્શાવતા સ્થળો, ભારતભરના આર્ય સંસ્થાનો, સ્વામીના જીવનની ઝાંખીનું નકશા રૂપે નિદર્શન, વિવિધ પુસ્તકો વગેરે અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, આર્ય સમાજના શ્રી સુરેશચંદ્ર આર્ય, શ્રી વિનય આર્ય, સુરેન્દ્રકુમાર આર્ય, પદ્મશ્રી પૂનમ સૂરિજી, શ્રી અજય શહગલ, શ્રી શુષ્માજી, શ્રી ધર્મપાલજી સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.












Click it and Unblock the Notifications
