મહેસાણા: ગૃહમંત્રી અમિત શાહે બોરિયાવી ખાતે સૈનિક સ્કૂલનું કર્યું ઉદ્ઘાટન, જાણો વધુ વિગત
કેન્દ્રીય ગૃહમંત્રીએ બોરિયાવી ખાતે વર્ચ્યુઅલી સૈનિક સ્કૂલનું લોકાર્પણ કર્યું, દેશમાં 100 નવી સૈનિક સ્કૂલો બનાવવાનો લક્ષ્યાંક, દૂધસાગર ડેરીની સિદ્ધિઓને બિરદાવી, ગુજરાત સરકારના માવઠા રાહત પેકેજને બિરદાવ્યું.

Mehsana News: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે મહેસાણાના બોરિયાવી ખાતે શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્કૂલનું નિર્માણ દૂધસાગર ડેરી દ્વારા 20 વીઘા જમીનમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં 100 નવી સૈનિક સ્કૂલનો નિર્ધાર
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આ પ્રકારની 100 નવી સૈનિક સ્કૂલો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે, જે પૈકી બોરિયાવીની સ્કૂલ 20મી છે.
- તેમણે કહ્યું કે, આ સૈનિક સ્કૂલો થકી આજના બાળકો આવનારા સમયમાં દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરવા તરફનું પ્રથમ પગથિયું ભરશે.
- મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલમાં 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે, જે રાષ્ટ્ર સેવામાં જોડાવા માટે તેમને તૈયાર કરશે.
દૂધસાગર ડેરીની સફળતા અને ઓર્ગેનિક બ્રાન્ડ
ગૃહમંત્રીએ સહકારિતા ક્ષેત્રની પ્રગતિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, 10 લાખથી વધુ પશુપાલકો દૂધસાગર ડેરી સાથે જોડાયેલા છે અને ડેરીનું દૂધ ઉત્પાદન 35 લાખ લિટર જેટલું છે.
- તેમણે કહ્યું કે, હવે અમૂલ પણ ઓર્ગેનિક બ્રાન્ડ તરીકે ઓળખાશે અને ખેડૂતોએ પોતે પણ ઓર્ગેનિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.
- દૂધ ઉત્પાદનના વ્યવસાયે અનેક બહેનોને આત્મનિર્ભર બનાવી છે અને રાજ્યમાં ત્રણ નવી સહકારી સમિતિઓ પણ બની છે.
માવઠાના નુકસાન પર ગુજરાત સરકારનું રાહત પેકેજ
અમિત શાહે તાજેતરમાં થયેલા માવઠાને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
- તેમણે ખુલાસો કર્યો કે, નુકસાન અંગે તેમને CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હતી.
- ગૃહમંત્રીએ ખેડૂતોને આટલું મોટું રાહત પેકેજ જાહેર કરવા બદલ ગુજરાત સરકારને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને આ પેકેજને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવ્યું હતું.
- તેમણે ખાતરી આપી હતી કે બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર સહિતના તમામ વિસ્તારોમાંથી મગફળીની ખરીદી થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક સમર્થન
તાજેતરના દિલ્હી બ્લાસ્ટના સંદર્ભમાં, ગૃહમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે આ ઘટનાના ગુનેગારોને યોગ્ય સજા મળશે અને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દેશને સમગ્ર વિશ્વનું સમર્થન પ્રાપ્ત થયું છે.












Click it and Unblock the Notifications
