વાહન ચોરી અને મોબાઇલ ચોરીમાં સુરત, અમદાવાદ સહિત મહેસાણા પણ પ્રથમ હરોળમાં, જાણો E-FIRના આંકડા
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં વાહન ચોરી અને મોબાઈલ ચોરી મામલે નોંધાયેલી ઈ એફઆઈઆરના આંકડા સામે આવ્યા છે. અહીં જાણો વિગત.
ગાંધીનગરઃ સુરત અને અમદાવાદ જેવા મેટ્રો સિટીની સાથે-સાથે હવે મહેસાણા પણ વાહન અને મોબાઈલ ચોરીમાં પ્રથમ હરોળમાં આવી ગયુ છે. શહેરોમાં વાહન અને મોબાઈલ ચોરીના વધતા ગુનાઓના કારણે હવે ગુજરાતમાં સૌ પ્રથમ વાર ઈ એફઆઈઆર કૉન્સેપ્ટ લૉન્ચ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જુલાઈ 2022માં આ કૉન્સેપ્ટ લૉન્ચ કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યભરમાં નોંધાયેલી એફઆઈઆરના આંકડા સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં ઈ એફઆઈઆરનો કૉન્સેપ્ટ લૉન્ચ થયા બાદ છેલ્લા 6 મહિનામાં કુલ 1763 ઈ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં સૌથી વધુ ઈ એફઆઈઆર વાહન ચોરી મામલે દાખલ કરવામાં આવી છે. વાહન ચોરી અને મોબાઈલ ચોરી બાબતે સૌથી વધુ ગુના નોંધાયા હોય તેમાં પ્રથમ પાંચ શહેરોમાં સુરત સૌથી મોખરે છે. જેમાં સૌથી વધુ 360 એફઆઈઆર નોંધવામાં આવી છે.
સુરત પછી અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા તેમજ ખેડા, આણંદમાં સૌથી વધુ ગુના નોંધાયા છે. તમને જણાવી દઈએ કે સૌથી ઓછા ગુના નોંધાયા હોય તેવા શહેરોમાં ડાંગનુ આહવા પ્રથમ ક્રમે છે.
કયા શહેરમાં કેટલી ઇ એફઆઇઆર નોંધાઇ ?
અમદાવાદ ગ્રામ્ય -૩૧, પાટણ -૫૨, વલસાડ -૨૯, નર્મદા - ૦૫, દાહોદ - ૬૨, ખેડા -૬૨, છોડા ઉદેપુર - ૧૬, આણંદ - ૬૫, અરવલ્લી -૦૭, નવસારી -૦૯, જૂનાગઢ -૨૧, વડોદરા - ગ્રામ્ય - ૧૬, અમરેલી - ૧૮, મોરબી - ૩૦, સુરત ગ્રામ્ય - ૪૫, રાજકોટ ગ્રામ્ય - ૨૮, રાજકોટ સિટી - ૧૦૨, મહીસાગર - ૦૮, ગીર - સોમનાથ -૧૬, પોરબંદર - ૦૮, બોટાદ -૦૮, મહેસાણા -૮૨, ગાંધીધામ -૨૪, અમદાવાદ સિટી -૩૪૦, ભરુચ - ૨૩, ડાંગ - આહવા - ૦૨, કચ્છ ભુજ - ૦૭, બનાસકાંઠા -૩૬, સુરત સિટી - ૩૬૦, તાપી - ૦૩, વડોદરા સિટી - ૭૩, ગાંધીનગર -૩૧, ભાવનગર-૪૨, સાબરકાંઠા -૧૨, સુરેન્દ્ર નગર -૧૦, જામનગર - ૦૮, ગોધરા - ૧૦, દેવભૂમિ દ્વારકા -૦૧.
પોલીસ અધિકારીઓને અપાઈ કડક સૂચના
ઈ એફઆઈઆર મામલે સમય મર્યાદા, જાણીજોઈને વિગતો છૂપાવવા, એફઆઈઆર આપમેળે કેન્સલ થઈ જાય તેવા પ્રયાસ કરનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં કર્મચારીને એક વાર શંકાનો લાભ આપવામાં આવશે. ટ્રેનિંગ આપવામાં આવશે પરંતુ ત્યારબાદ પણ જો પોલીસ અધિકારી ઈ એફઆઈઆર મામલે જાણીજોઈને શરત ચૂક કરશે તો તેની કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આવા કર્મચારીઓના પ્રમોશન રોકવાથી લઇને નોકરીમાંથી બરતરફ કરવા સુધીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
