સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ માટે સૌની યોજના આશીર્વાદરૂપ : જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ
સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 પૈકી 95 જળાશયનું જોડાણ સંપન્ન થઇ ગયું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 972 ગામોના 8.25 લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જેમાં 31 શહેરો અને 373 ગામોને પીવાના પાણીનો લાભ મળશે.
રાજ્યના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાના ત્રણ મિલિયન એકર ફીટ વહી જતા પાણીનો લાભ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને મળી રહે એ આશયથી સૌની યોજનાનો શુભારંભ કર્યો હતો. જે આજે ખેડૂતો-નાગરિકો માટે સાચા અર્થમાં આશિર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

શનિવારના રોજ વિધાનસભા ખાતે સૌની યોજના અન્વયે પાઈપ લાઈનની કામગીરીના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી મુકેશ પટેલ ઉમેર્યું કે, નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટે સૌની યોજના અન્વયે 9371 કિમી પાઇપલાઇનના કામો માટે મંજૂરી આપવામાં આવી છે. જે માટે રૂપિયા 16721 કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજના હેઠળ 1298 કિમીની પાઇપલાઇનના કામો પૂર્ણ કરાયા છે. જ્યારે 73 કિલોમીટર લંબાઈની પાઇપલાઇનના કામો બાકી છે, જે સત્વરે પૂર્ણ કરાશે.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 જળાશયોનું જોડાણ કરવાનું આયોજન હતું. જે પૈકી 95 જળાશયોનું જોડાણ કરી દેવાયું છે અને બાકી રહેતા 20 જળાશયોના જોડાણ સત્વરે પૂર્ણ કરી દેવાશે. સૌરાષ્ટ્રમાં આ યોજના થકી 11 જિલ્લાના 972 ગામોના આશરે 8.25 લાખ એકર વિસ્તારને સિંચાઇઓનો લાભ તથા 31 શહેર અને 737 ગામોને પીવાના પાણી માટે નર્મદાના નીરનો લાભ મળશે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ 25 મુખ્ય પંપીંગ સ્ટેશન 8 ફીડર પંપિંગ સ્ટેશન મળી કુલ 33 સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું કે, સૌની યોજના હેઠળ ત્રણ મિલિયન એકર ફીટ વધારાનું વહી જતું પાણી ખેડૂતો - નાગરિકોને પીવાના પાણી - સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને, એક મિલિયન એકર ફીટ ઉત્તર ગુજરાતને આપવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 9 જાળાશયો અને 17 તળાવો પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન છે. જ્યારે 1 મિલિયન એકર ફીટ પાણી કચ્છ માટેના કામો હાથ ધરાશે.












Click it and Unblock the Notifications
