• search

ભારે મતદાન : જો મોદી લહેર હોય, તો કોને-કોને ભરખી શકે?

By કન્હૈયા કોષ્ટી

અમદાવાદ, 1 મે : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014 માટે ગઈકાલે ભારે મતદાન થયું. લગભગ 47 વર્ષ બાદ ગુજરાતના લોકોએ આટલી મોટી સંખ્યામાં ઉમટી મતદાન કર્યું. ભારે મતદાને ઉમેદવારો કે રાજકીય પક્ષોને જ નહીં, પણ મતદારોને પણ વિમાસણમાં નાંખી દીધું છે. સૌ પોત-પોતાની રીતે મતદાનના આ પ્રવાહને મૂલવી રહ્યાં છે. ભારતીય જનતા પક્ષનો સ્વાભાવિકપણે દાવો છે કે ભારે મતદાન મોદી લહેર છે. બીજી બાજુ કોંગ્રેસ પક્ષ આવુ માની જાય, તો તે ભાજપનો વિરોધી પક્ષ કેમ કહી શકાય? જ્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ઉપપ્રમુખ રાહુલ ગાંધી અને વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને મોદી લહેર ન દેખાતી હોય, તો સ્વાભાવિકપણે જ કોંગ્રેસ પક્ષ ભાજપના આ દાવાને ન જ માને.

ગુજરાતમાં 30મી એપ્રિલે લોકસભાની 26 બેઠકો માટે મતદાન થયું. અત્યાર સુધીના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગઈકાલે 62.33 ટકા મતદાન થયુ હતું કે જે ગત ચૂંટણી કરતાં લગભગ 14 ટકા વધુ છે. ગુજરાતના મતદારોનો રેકૉર્ડ છે કે તેઓ લોકસભા ચૂંટણીઓમાં વધુ મતદાન નથી કરતાં અને જ્યારે લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થયું હોય, ત્યારે કોઈકને કોઈ લહેર કે મોજુ જરૂર હોય.

ચાલો તસવીરો સાથે જોઇએ કે જો મોદી લહેર હોય તો કોંગ્રેસના કયા દિગ્ગજોના મૂળિયા કેવી રીતે ઉખડી શકે છે?

બનાસકાંઠા

બનાસકાંઠા

કોંગ્રેસે ગત ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. જોકે પક્ષે આ વખતે ગત વિજેતા મુકેશ ગઢવીના સ્થાને જોઇતાભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યાં છે, તો ભાજપ તરફથી હરીભાઈ ચૌધરી મેદાનમાં છે. ગત ચૂંટણીમાં 49.83 ટકા મતદાન થયુ હતું, જ્યારે આ વખતે 56.66 ટકા એટલે કે લગભગ 6 ટકા વધુ મતદાન થયું છે. જો વધુ મતદાન પાછળ મોદી લહેર હોય, તો કોંગ્રેસ માટે આ બેઠક જાળવવી મુશ્કેલ થઈ પડશે. ગત ચૂંટણી વખતે અહીં હાર-જીતનો અંતર 10 હજાર 31 મતોનો જ હતો. તેથી વધુ મતદાન કોંગ્રેસને ભારે પડી શકે.

પાટણ

પાટણ

પાટણ બેઠક ઉપર ગત ચૂંટણીમાં કોંગ્રેસના જગદીશ ઠાકોર વિજયી થયા હતાં. જગદીશ ઠાકોરે ભાજપના ઉમેદવાર ભાવસિંહ રાઠોડને 18 હજાર 504 મતોથી પરાજિત કર્યા હતાં. એ જ ભાવસિંહ રાઠોડ આ વખતે કોંગ્રેસના ઉમેદવાર છે અને ભાજપના લીલાધર વાઘેલા તેમને પડકાર આપી રહ્યાં છે. ગત ચૂંટણીમાં અહીં 44.67 ટકા મતદાન થયુ હતું, જ્યારે આ વખતે પાટણમાં 58.46 ટકા મતદારોએ મત આપ્યાં છે. આમ લગભગ 12 ટકા વધુ મતદાન જો મોદી લહેર પ્રેરિત હોય, તો સ્પષ્ટ રીતે ભાસી શકાય કે ગત ચૂંટણીમાં કોંગ્રેસ સામે હારનાર ભાવસિંહ રાઠોડ આ વખતે પણ હારી કોંગ્રેસની જીતેલી બેઠક ભાજપને ધરી દેશે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગરમાં બહુ વર્ચસ્વ ધરાવે છે. તેઓ સતત અહીં વિજેતા થતા આવ્યા છે. ગત ચૂંટણીમાં સોમાભાઈ પટેલે ભાજપના લાલજી મેરને પરાજિત કર્યા હતાં, પરંતુ જીતનું અંતર માત્ર 4 હજાર 831 મતોનું જ હતું. ગત ચૂંટણીમાં અહીં 39.73 ટકા મતદાન થયુ હતું, જ્યારે આ વખતે 56.48 ટકા જેટલું મતદાન થયું છે કે જે ગત વખત કરતાં 17 ટકા વધુ છે. હવે જો મોદીની લહેરના કારણે જ વધુ મતદાન થયું હોય, તો સોમાભાઈના મૂળિયા ઉખડવાના પૂરા ચાન્સિસ કહી શકાય.

રાજકોટ

રાજકોટ

રાજકોટમાં ગત ચૂંટણીમાં 44.64 ટકા જ મતદાન થયુ હતું, જ્યારે આ વખતે રાજકોટમાં 62.16 ટકા જેટલું ભારે મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા લગભગ 18 ટકા વધુ મતદાન જો મોદી લહેરના કારણે જ થયું હોય, તો કોંગ્રેસ અને દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા માટે આ બેઠક જાળવવી લોહાના ચણા ચાવવા જેવી કપરી હશે. જોકે કુંવરજી બાવળિયાએ ગત ચૂંટણીમાં ભાજપના કિરણકુમાર ભાલોડિયાને 24 હજાર 735 મતોથી હરાવ્યા હતાં, પરંતુ 18 ટકા વધુ મતદાન કુંવરજી માટે ચિંતાનું કારણ બની શકે છે.

પોરબંદર

પોરબંદર

પોરબંદર બેઠક ગત ચૂંટણીમાં કોંગ્રેસે હાસલ કરી હતી. વિટ્ઠલ રાદડિયાએ ભાજપના મનસુખ કાછડિયાને 39,503 મતોના ભારે અંતરથી પરાસ્ત કર્યા હતાં. વિટ્ઠલ રાદડિયાનું અહીં જોરદાર વર્ચસ્વ છે કે જેનો ફાયદો પણ કોંગ્રેસને મળ્યો હતો. ગત ચૂંટણીમાં અહીં 47.67 ટકા મતદાન થયુ હતું, પરંતુ આ વખતે અહીં મતદાનની ટકાવારી લગભગ 4 ટકા વધી 51.97 સુધી પહોંચી ગઈ છે. બીજી મહત્વની બાબત એ છે કે વર્ચસ્વ ધરાવતા વિટ્ઠલ રાદડિયા આ વખતે ભાજપના ઉમેદવાર છે અને સામે કોંગ્રેસના સાથી પક્ષ એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા છે. અહીં રાદડિયાનું વર્ચસ્વ અને મોદી લહેર મળી કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી શકે છે.

જામનગર

જામનગર

કોંગ્રેસના વિક્રમ માડમનું જામનગરમાં ખાસુ વર્ચસ્વ છે. ગત ચૂંટણીમાં અહીં 45.79 ટકા મતદાન થયુ હતું અને વિક્રમ માડમે ભાજપના રમેશભાઈ મુંગરાને 26 હજાર 418 જેટલા ઝાઝા મતોથી પરાજિત કર્યા હતાં, પરંતુ આ વખતની ચૂંટણીમાં જામનગરમાં 57.42 ટકા જેટલુ ભારે મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા 12 ટકા વધુ મતદાન જો મોદીની લહેરના કારણે થયુ હોય, તો વિક્રમ માડમ માટે ભાજપના ઉમેદવાર અને તેમના ભત્રીજી પૂનમ માડમ સામે ટકવું મુશ્કેલ થઈ શકે છે.

આણંદ

આણંદ

આ બેઠક કોંગ્રેસ માટે મહત્વની છે. આણંદ કોંગ્રેસનું ગઢ છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, તેમના સસરા ઈશ્વર મકવાણા બાદ હાલ માધવસિંહના પુત્ર ભરતસિંહ સોલંકી અહીં ભારે વર્ચસ્વ ધરાવે છે. ગત ચૂંટણીમાં 48.41 ટકા ઓછુ મતદાન થયું હતું અને ભરતસિંહ સોલંકીએ ભાજપના દીપકભાઈ ચિમનભાઈ પટેલને 67 હજાર 318 જેટલા ભારે મતોથી પરાજિત કર્યા હતાં. આ વખતે આણંદમાં 64.40 ટકા મતદાન થયું છે. જો 18 ટકા વધુ મતદાન પાછળ મોદી લહેર જવાબદાર હોય, તો ભરતસિંહ સોલંકીના મૂળિયા ઉખડવાની પૂરી શક્યતા કહી શકાય છે કે જેમની સામે ભાજપે દિલીપભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યાં છે.

ખેડા

ખેડા

કોંગ્રેસના વધુ એક દિગ્ગજ દિનશા પટેલ જોકે પહેલા તો ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી ચુક્યા હતાં, પરંતુ તેમણે હાઈકમાંડની આજ્ઞા માની ઉમેદવારી કરી દીધી. ગત ચૂંટણીમાં અહીં માત્ર 41.60 ટકા મતદાન થયુ હતું અને દિનશા પટેલ ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે માત્ર 846 મતોથી પરાજિત થયા હતાં. આ વખતે ખેડામાં મતદાનની ટકાવારી 17 ટકા જેટલી વધી 58.99 ટકા રહી છે. જો મોદીની લહેરના કારણે જ લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હોય, તો દિનશા પટેલની વિકેટ પડતા કોઈ નહીં રોકી શકે. આ વખતે પણ દિનશા પટેલને દેવુસિંહ ચૌહાણ જ પડકારી રહ્યાં છે.

બારડોલી

બારડોલી

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી આ આદિવાસી વસતી ધરાવતી બેઠક પર ભારે વર્ચસ્વ ધરાવે છે કે જ્યાં મોટાભાગે વધુ મતદાન થતું હોય છે. ગત ચૂંટણીમાં અહીં 57.81 ટકા મતદાન થયુ હતું કે જે અપેક્ષાકૃત ઓછુ હતું અને તુષાર ચૌધરીનો વિજય થયો હતો. તુષારે ભાજપના અમરસિંહ વસાવાને 58 હજાર 985 મતોના ભારે અંતરથી હરાવ્યા હતાં, પરંતુ આ વખતે બારડોલીમાં 68.60 ટકા એટલે કે લગભગ 11 ટકા વધુ મતદાન થયું છે અને જો આ વધુ મતદાન મોદી લહેરના કારણે થયું હોય, તો તુષાર ચૌધરી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

વલસાડ

વલસાડ

વલસાડ બેઠક કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વ ધરાવે છે, કારણ કે 1977થી એવો રેકૉર્ડ રહ્યો છે કે અહીંથી જે પક્ષનો વિજય થાય છે, તે જ પક્ષની સરકાર કેન્દ્રમાં બનતી હોય છે. જો મોદી લહેર હોય, તો તે અહીં કામ કરવી જ જોઇએ, તો જ મોદી વડાપ્રધાન બની શકશે. ગત ચૂંટણીમાં વલસાડમાં 56.11 ટકા મતદાન થયુ હતું. આદિવાસી વસતી વાળા ક્ષેત્રમાં આ મતદાન ઓછું જ કહેવાય અને આમ ઓછા મતદાનમાં કોંગ્રેસના કિશન પટેલે ભાજપના ધીરૂભાઈ પટેલને 7 હજાર 169 મતોથી હરાવ્યા હતાં. આ વખતે વલસાડમાં 72.60 ટકા મતદાન થયું છે કે જે ગત ચૂંટમી કરતાં 24 ટકા વધારે છે. આમ જો મોદી લહેર અહીં હાવી હોય, તો આ વખતે કોંગ્રેસના કિશન પટેલના પગ ઉખડવા નક્કી છે કે જેમને ભાજપના ડૉ. કે. સી. પટેલ પડકારી રહ્યાં છે.

સાબરકાંઠા

સાબરકાંઠા

કોંગ્રેસના સૌથી મોટા ગજાના નેતા શંકરસિંહ વાઘેલાનું વિશ્લેષણ સૌથી છેલ્લે એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ હાલ સાંસદ નથી. ગત ચૂંટણીમાં તેઓ પંચમહાલ બેઠક પરથી હારી ગયા હતાં. વાઘેલા આ વખતે સાબરકાંઠા બેઠક ઉપરથી ચૂંટણી મેદાને છે. સાબરકાંઠામાં ગત ચૂંટણીમાં 49.41 ટકા મતદાન થયુ હતું અને ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને 17 હજાર 160 મતોથી પરાજય આપ્યો હતો. આ વખતે સાબરકાંઠામાં 67.10 ટકા એટલે કે ગત વખત કરતાં 18 ટકા વધુ મતદાન થયું છે. જો મોદી લહેરના કારણે જ આટલું ભારે મતદાન થયું હોય, તો શંકરસિંહ વાઘેલા માટે સાબરકાંઠાનો ગઢ જીતવો મુશ્કેલ થઈ શકે છે કે જેમની સામે ભાજપના દીપસિંહ રાઠોડ ઉમેદવાર છે.

આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી રહ્યાં છે. કોઈ પણ ચૂંટણી બે પક્ષો વચ્ચે હોય અને તે મુજબ તો મુકાબલો ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે જ કહી શકાય, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય જે મુદ્દો સૌથી વધુ હાવી હતો, તે નરેન્દ્ર મોદીનો હતો. દેશ ભરમાં ચૂંટણીઓ પહેલાના છેલ્લા એક વર્ષના સર્વેમાં નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉપસતા રહ્યા હતાં અને તે સાથે ભાજપે એમ સ્વીકારી લીધું હતું કે દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે. આ લહેરના પગલે જ ભાજપે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ જાહેર કર્યાં હતાં.

ભાજપના દાવા પ્રમાણેની મોદી લહેર સમગ્ર દેશમાં દેખાતી અને ચર્ચાતી રહી છે. વારાણસીમાં તો આખા દેશે મોદી લહેરનો પરિચય કર્યો છે, તો દેશમાં અત્યાર સુધી થયેલ ચૂંટણીઓમાં ગત ચૂંટણીઓ કરતા લગભગ સરેરાશ 10 ટકા વધુ મતદાનને પણ મોદી લહેર તરીકે ખપાવવામાં આવી રહ્યું છે. દેશમાં જે રીતે નરેન્દ્ર મોદીએ જોરદાર પ્રચાર ઝુંબેશ ચલાવી છે તથા કોંગ્રેસની યૂપીએ સરકાર ઉપર ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે પ્રહારો કર્યા છે, તે જોતાં વધુ મતદાનનું પ્રાથમિક કારણ કોંગ્રેસ વિરોધી અને મોદી પક્ષે લહેર ગણી જ શકાય છે.

આમ ગુજરાતમાં પણ મોદીની લહેરના પગલે જ જો વધુ મતદાન થયું હોય, તો પરિણામોમાં ભારે ઉથલ-પાથલ મચવાની પૂર્ણ શક્યતા કહી શકાય. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2009માં મતદાન ઓછુ રહ્યુ હતું અને ભાજપને 15 તથા કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. ગુજરાતની બાબતમાં અગાઉથી જ આ વાત જાણીતી છે કે ઓછા મતદાને કોંગ્રેસને અને વધુ મતદાને ભાજપને ફાયદો થાય છે. આ બાબત જો ગત ચૂંટણીમાં લાગૂ પડતી હોય કે ઓછા મતદાને કોંગ્રેસની બેઠકો 11 સુધી પહોંચી શકતી હોય, તો વધુ મતદાન ચોક્કસ રીતે ભાજપ માટે ફાયદાકારક ગણાવી શકાય અને વધુ મતદાન પાછળ જો નરેન્દ્ર મોદીના પક્ષે લહેર જ હોય, તો એમ માનવામાં કોઈ શંકા નથી કે ભાજપને આ ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો મોદી લહેર જ હોય અને ભાજપને ફાયદો કરાવી આપનારી હોય, તો કોંગ્રેસને ફટકો પડવાનું નક્કી છે. મોદી લહેરના પગલે જ જો ગુજરાતમાં 14 ટકા વધુ મતદાન થયું હોય, તો એ પણ ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ માટે ગત ચૂંટણીમાં જીતેલી 11 બેઠકો જાળવવી પણ મુશ્કેલ થઈ પડશે. મોદી લહેરમાં કોંગ્રેસ સામે એક બાજુ ગત ચૂંટણીમાં ગુમાવેલી 15 બેઠકો ઉપર પ્રભુત્વ જમાવવાનો પડકાર છે, તો 11 બેઠકો ઉપર જીતેલા દિગ્ગજ કોંગ્રેસીઓ માટે પ્રતિષ્ઠા બચાવવાનો પડકાર છે.

English summary
Lok Sabha Election 2014 : If Modi wave dominant in Gujarat, than many senior Congress MP may have lost. Heavy tournout in Gujarat can be dangerous for Dinsha Patel, Shankar Singh Vaghela, Bharat Singh Solanki, Soma Patel, Tushar Chouwdhary etc.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more