મોરબી ઝૂલતો પુલ દૂર્ઘટનાને આજે પૂરુ થયુ 1 વર્ષ, સીએમ નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રા, ઠેર-ઠેર બેનરો, ન્યાયની રાહ
Morbi Beidge Collapse 2022: 30 ઓક્ટોબર, 2022, રવિવારની એ સાંજ, જ્યારે મોરબીની મચ્છુ નદી પરના ઝૂલતા પુલ પર પરિવાર સાથે ફરવા આવેલા નિર્દોષ લોકો કાળના મુખમાં ધકેલાઈ ગયા હતા.
મોરબીની મચ્છુ નદી પરના ઝૂલતા પુલ પર રવિવારે સાંજે 6.35 વાગે અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા હતા. સમગ્ર શહેર પરિવારોના આક્રંદથી હચમચી ગયુ હતુ.

નોંધનીય છે કે મોરબીમાં ઝૂલતો અચાનક તૂટી પડતા લગભગ 135 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. જેના પડઘા સમગ્ર દેશ જ નહિ પરંતુ દુનિયામાં પણ સંભળાયા હતા. આજે એ ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયુ છે.
દૂર્ઘટના માટે જવાબદાર લોકો હાલમાં જેલમાં છે અને તેમની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મૃતકોના પરિવારો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. આ ઘટનામાં એસઆઈટીએ 5000 પાનાંનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રીજ દૂર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે.
રિપોર્ટ મુજબ પુલ તૂટવાની ઘટનામાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, મેનેજર સહિતના લોકોની જવાબદારી હોવાનુ સામે આવ્યુ છે. પુલનુ સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો જવાબદાર હોવાનુ એસઆઈટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.
મોરબી ઝુલતા પુલ દૂર્ઘટનાની વાર્ષિક તિથિએ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન સુધી શ્રદ્ધાંજલિ યાત્રા યોજાવાની છે. અમદાવાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી 24 કિમી સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાના મૃતકોના 200 જેટલા પરિવારો જોડાશે. આ યાત્રા સવારે 6 વાગે શરુ થઈ છે.
વાર્ષિક તિથિએ મોરબી શહેરમાં મૃતકોની તસવીર સાથેના બેનરો ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન મોરબી દ્વારા દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ડીજીપી અને અમદાવાદનાન કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યુ છે.
વળી, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલે મોરબી પુલ દૂર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. વળી, મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
