નર્મદા નદી પર સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, વિવિધ નદીઓના ચેકડેમ ઓવરફ્લો
રાજયભરમાં છેલ્લા અમુક દિવસોથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે જેના કારણે રાજ્યની વિવિધ નદીઓના ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે.
અમદાવાદઃ રાજયભરમાં છેલ્લા અમુક દિવસોથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે જેના કારણે રાજ્યની વિવિધ નદીઓના ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં નવા નીર આવતા તેની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં 4274 ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે પાણીની જાવક 4274 ક્યુસેક કરવામાં આવી છે. નર્મદા ડેમના તમામ દરવાજા બંધ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જ્યારે હાલની સપાટી 116.32 મીટર છે. છેલ્લા 24 કલાકમાં 23 સેમીનો વધારો નોંધવામાં આવ્યો છે. જો પાણીની આવક સતત ચાલુ રહી તો ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોંચી શકે છે.

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો
નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી પાણી છોડતા 46,504 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સતત વરસાદના કારણે છેલ્લા 8 કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 86 સેમીનો વધારો નોંધવામાં આવ્યો છે. ડેમમાં અત્યારે 4,363 MCFT પાણીનો જથ્થો છે. જો કે ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે ડેમની સપાટી હજુ 5 મીટર ઓછી છે. તમને જણાવી દઈએ કે 25 જુલાઈએ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 115.37 મીટર સુધી પહોંચી હતી ત્યારબાદ 10 કલાકમાં ડેમની સપાટીમાં ફરી વધારો થયો.

રાજ્યોના જળાશયો ભરાયા
તમને જણાવી દઈએ કે રાજ્યોમાં મોટા 207 જળાશયોમાંથી પાંચ જળાશયો સંપૂર્ણ ક્ષમતા સાથે ભરાઈ ગયા છે. 207 જળાશયોમાં 44.41 પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 મોટા જળાશયોમાં 23.17 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 39.22 ટકા પાણીનો જથ્થો છે જ્યારે દક્ષિણ ગુજરાતના 13 મોટા જળાશયોમાં 50.87 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 જળાશયોમાં 24.43 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141માં 39.84 ટકા પાણીનો જથ્થો અને તેમાંથી 5 જળાશયો સંપૂર્ણ ભરેલા છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
બંગાળના અખાતમાં લો પ્રેશર સક્રિય રહેતા રાજ્યમાં મેઘમહર હજુ 4 દિવસ યથાવત રહેશે. આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વળી, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, દીવ, દમણ, દાદરનગર હવેલી, ગીર, સોમનાથ, જામનગર, પોરબંદર, ભાવનગર સહિતના સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી છે. 29 જુલાઈએ અમુક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
