ગાંધી હત્યાના પાપી નથુરામના નાટકનો ગુજરાતમાં ભારે વિરોધ, શો રદ કરાયા
ગુજરાતમાં નથુરામ ગોડસે પર આધારિત નાટકને લઈને હાલ ભારે રાજકીય વિવાદ સર્જાયો છે. મુંબઈના કલાકારો દ્વારા પ્રસ્તુત આ નાટકનો રાજ્યના અનેક શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.
રાજકોટમાં નાટકના સેટ પર તોડફોડની ઘટના બની હતી અને કલાકારો સાથે ઘર્ષણ થતા શો રદ થયો હતો. જામનગરમાં પણ પ્રદર્શન પૂર્વે પોસ્ટરો ફાડીને નાટકનો વિરોધ કરી શો અટકાવવામાં આવ્યો હતો.

અમદાવાદના બોડકદેવમાં પણ કોર્પોરેશનની દીવાલો પર ગોડસે અને સંઘ વિરુદ્ધ સૂત્રો લખીને રોષ વ્યક્ત કરાયો હતો. આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો અને NSUI ના નેતાઓ જોડાયા હતા.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ ઘટનાને ગાંધીના ગુજરાત માટે શરમજનક ગણાવી આકરી ટીકા કરી હતી. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ગાંધીજીના અપમાનને જરાય ચલાવી લેવામાં આવશે નહીં.
ચાવડાએ વધુમાં જણાવ્યું કે જો આજે સરદાર પટેલ હોત તો આવા નાટક કરનારા જેલના સળિયા પાછળ હોત. ભાજપ સરકાર જાણીજોઈને આવા નાટકોને પ્રોત્સાહન આપી રહી હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો.
હાલમાં અભિવ્યક્તિની આઝાદી અને રાજકીય વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષને કારણે વાતાવરણ તંગ બની ગયું છે. આગામી સમયમાં તંત્ર આ વિવાદિત નાટક અંગે શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે.












Click it and Unblock the Notifications
