'મારા પદ અનુસારના વિભાગ મળે એ જ મારી લાગણી હતી'

Written By:
Subscribe to Oneindia News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ ખાતાંની ફાળવણી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાની વાતો સામે આવી હતી. ખાતાની ફાળવણીમાં પહેલાં નાણાં વિભાગ સૌરભ પટેલને સોંપવામાં આવ્યું હતું. જો કે, આખરે નાણાં ખાતું તેમના હાથમાંથી લઇને નીતિન પટેલને સોંપવામાં આવ્યું છે તથા સરકાર અને નીતિન પટેલ વચ્ચે સમાધાનનો માર્ગ મોકળો થયો છે. રવિવારથી જ નીતિન પટેલ નાણાં વિભાગ સંભાળનાર છે. થોડીવારમાં નીતિન પટેલ ગવર્નરના ઘરે જશે અને તેમની સોગંદવિધિ થશે. રવિવારે નીતિન પટેલે પત્રકાર પરિષદનું પણ સંબોધન કર્યું હતું. તેમણે અહીં કહ્યું હતું કે, 'ખાતાની ફાળવણી જે-તે નેતાના હોદ્દાને ધ્યાનમાં રાખીને થાય છે. જો કે, આ વખતે મારા જૂના વિભાગ પરત લઇ મને અન્ય વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.'

Nitin Patel

અમિત શાહે આપી બાંહેધરી

નીતિન પટેલે આગળ કહ્યું કે, 'મારી લાગણી હતી કે મને મારા હોદ્દાને અનુરૂપ, નાયબ મુખ્યમંત્રીના પદ અનુસાર ખાતાની ફાળવણી કરવામાં આવે. આથી મેં મારી લાગણી મુખ્યમંત્રી વિજય રૂપાણી, મોવડી મંડળ સમક્ષ વ્યક્ત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પણ મેં વાત કરી હતી. મારી માંગણી હતી કે, મને મારા પદ અનુસાર ખાતાની ફાળવણી કરવામાં આવે અને નહીં તો મંત્રી મંડળમાંથી મને મુક્તિ આપવામાં આવે. ત્યાર બાદ મોવડી મંડળે પરામર્શ કર્યો અને સવારે 7.30 વાગ્યે અમિત શાહે મને ફોન કરી આશ્વાસન આપ્યું હતું કે, મને મારા પદ અનુસારના વિભાગો સોંપવામાં આવશે અને વિનંતી કરી હતી કે, હું આજથી જ મંત્રી તરીકેનો મારો પદભાર સંભાળું. આજે બપોરે મુખ્યમંત્રી ગવર્નરને મને સોંપવાના નવા ખાતા અંગે પત્ર આપશે.'

'મેં કોઇ ખાતાની માંગણી નથી કરી'

'મેં ગઇ કાલે સાંજે ભૂપેન્દ્રસિંહ ચૂડાસામા,પ્રદીપસિંહ જાડેજા સાથે બાબુબાઇ જમનાદાસના નિવાસસ્થાને બેઠક કરી હતી, વી.સતીષજી સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી. અમિત શાહ અને અન્ય મોટા નેતાઓએ પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. જે વિભાગ મારી પાસે હતા, એ જ મને સોંપાય એ મારી લાગણી હતી જેનું અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ માન રાખ્યું. મને વિશ્વાસ આપ્યો, એ માટે આભાર માનું છું. મેં કોઇ ખાતાની માંગણી કરી નહોતી. મેં કોઇને અમાદાવાદના મારા નિવાસસ્થાને બોલાવ્યા હતા અને શનિવારે 4-5 હજાર લોકો પોતાની જાતે આવ્યા હતા અને તેમનો પણ હું આભાર માનું છું. મારી વાત કોઇ સત્તા કે હોદ્દા માટેની નહોતી. ગઇ કાલે કોંગ્રેસ તરફથી અને અન્ય લોકો તરફથી કેટલીક વાતો વહેતી કરવામાં આવી હતી. હું જણાવવા માંગુ છું કે, વિપરિત સંજોગોમાં પણ હું મારા પક્ષની સાથે જ છું. માત્ર સત્તાને મેં કોઇ દિવસ પ્રાધાન્ય આપ્યું નથી.'

નીતિન પટેલ હતા નારાજ

ઉલ્લેખનીય છે કે, ખાતાની ફાળવણી પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મીડિયાનું સંબોધન કર્યું હતું. એ સમયે નીતિન પટેલે મીડિયા સાથે ખાસ વાતચીત નહોતી કરી, જ્યારે કે તેઓ મીડિયા સાથે વાત કરવા ટેવાયેલા છે. એ પછીથી નીતિન પટેલ નારાજ હોવાની વાતોએ જોર પકડ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોઇ પણ પ્રકારની ખેંચતાણ હોવાની વાતને રદિયો આપ્યો હતો. જો કે, આખરે શનિવારે નીતિન પટેલે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે, હું પાર્ટી નહીં છોડું. વાતા ખાતાની નહીં, સન્માનની છે. શનિવારે સવારથી જ નીતિન પટેલના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો. ઘણાંએ નીતિન પટેલની વાતનું સમર્થન કર્યું હતું તો ઘણાંએ તેમને સમજાવવાના પણ પ્રયત્નો કર્યા હતા. નીતિન પટેલને મનાવવા માટે સીનિયર નેતા પણ મેદાનમાં હતા.

English summary
Nitin patel got finance ministry. Read more detali here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.