ઓક્ટોબર 7, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
પાલનપુરમાં ભાજપ અગ્રણી મુશરૂફ કુરેશીના પુત્રની હત્યા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વાહન જપ્ત કરવાના વ્યવસાયમાં જામેલી હરીફાઇમાં કેટલાક શખ્સો દ્વારા ભાજપ લઘુમતી મોરચાના આગેવાનના પુત્રની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર આ સીઝીંગ વોર છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી.
મહેસાણાના 6 શહેર સહિત 400 ગામોમાં પાણીનો કાપ
ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમમાં ઇન્ટેક વેલમાંથી પાણી ખેંચી ફિલ્ટર પ્લાન્ટમાં લઇ જતી પાઇપલાઇનમાં ભંગાણ થતા મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 6 શહેર સહિત 400 કરતા વધુ ગામોમાં બે દિવસ ધરોઇમાંથી આપવામાં આવતા પાણી પર કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
નવસારી નજીક કસાઇઓનો પોલીસ પર હુમલો
ગૌહત્યાની બાતમીના આધારે ઇદના તહેવાર દરમિયાન પોલીસ અને ગૌરક્ષકો દ્વારા નવસારીના ડાભોલ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી. જેમાં પોલીસે ઉશ્કેરાયેલા ટોળાને દૂર કરવા બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ હુમલા દરમિયાન એક પોલીસ કર્મીને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જેને સારવાર અર્થે હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગ્રામજનો દ્વારા ત્રણ પોલીસ કર્મીઓને બંધક બનાવી દેવામાં આવ્યા હતા.
તળાજામાં બે જૂથો વચ્ચે મારામારી એકને ઇજા
તળાજાના ગોરખી રોડ પર બાઇકને ડેલા પાસે પાર્ક કરવા જેવી નાની અમથી વાતે મોટું સ્વરૂપ લઇ લેતા મારામારી થઇ હતી. જેમાં અનસ ઇદ્રીશ વલીયાણી નામના શખ્સે ધવલ મનુભાઇ અને તેના કાકાના દિકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છેકે, તેમણે મારામારી કરી છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
સુરતના લિંબાયતમાં જમીન મામલે ઝઘડો, બેના મોત ત્રણને ઇજા
સુરતના લિંબાયતમાં જમીન લે વેચના ઝગડાએ મોટું સ્વરુપ ધારણ કરી લેતા મારામારી સર્જાઇ હતી. જેમાં બે લોકોની હત્યા કરવામાં આવી છે અને ત્રણને ઇજા પહોંચી હોવાના અહેવાલ મળ્યા છે. બન્ને પક્ષો વચ્ચે ઘણા સમયથી અદાવત ચાલી રહી હતી. જે દરમિયાન સોમવારે સાંજે ઝગડો થયો હતો, જેમાં બન્ને પક્ષે મારામારી કરી હતી. જેમાં બેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતના નાના ઉદ્યોગોને અપતા ગેસમાં કાપ
સીએનજીની ઉભી થયેલી માગને પહોંચી વળવા માટે ઓઇલ મત્રાંલયે દક્ષિણ ગુજરાતના નાના ઉદ્યોગોને પૂરો પાડવામાં આવતા કુદરતી ગેસના જથ્થામં 60 ટકાનો કાપ મુક્યો છે. જેના કારણે આ નાના ઉદ્યોગોના અસ્તિત્વ સામે એક પડકાર ઉભો થયો છે.
જંબુસર નજીક ટ્રેક્ટર પલટતાં એકનું મોત
જંબુસર તાલુકાના ઉમરા નોબર ગામ નજીક નાડા બનાવવાની કામગીરી દરમિયાન ટ્રેકટર પલટી જતા એક મજૂર નીચે દબાઇ ગયો હતો. જેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે.