જૂની પેન્શન યોજના મુદ્દે ફરી આંદોલન શરુ, શિક્ષકોએ કાળી પટ્ટી પહેરી નોંધાવ્યો વિરોધ, 23મીએ ધરણાં
Old Pension Scheme: ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર માંગણીઓને લઈ શિક્ષકો સહિત અન્ય ઘણા વિભાગના કર્મચારીઓએ આંદોલન કર્યુ છે.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા હેઠળ અધ્યાપકો-શિક્ષકો દ્વારા ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી અને 16મીએ તમામ કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરીને ફરજ બજાવશે. જ્યારે 23મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવામા આવશે.

રાજયની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજના અધ્યાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. જૂની પેન્શન યોજનામાં સમાવીને ફિક્સ પગારવાળી યોજના દૂર કરવા સહિતની માંગો કરવામા આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પણ જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયુ હતુ ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવતા જૂની પેન્શન યોજનાનુ ભૂત ફરીથી ધૂણ્યુ છે. ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે. 16 સપ્ટેમ્બર, 2022ના રોજ પાંચ મંત્રીઓની કમિટિ સાથે બેઠકમાં અમુક પ્રશ્નો ઉકેલાયા હતા અને અમુક પ્રશ્નો મુદ્દે સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યુ હતુ, જે હજુ પુરુ થયુ નથી. જેને લઈને ફરીથી આંદોલન શરુ કરાયુ હોવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે અમુક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે.












Click it and Unblock the Notifications
