Opinion: આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, આ પ્રકારની સારવાર કરનારુ એક માત્ર રાજ્ય
Opinion: ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ, સઘન સારવાર અને ટેકનોલોજીના ઉપયોગથી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓનું સુદ્રઢીકરણ અતિઆવશ્યક અંગ છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતની પરિકલ્પના દ્વારા તંદુરસ્ત ભારત, સશક્ત ભારતની નેમને પરિપૂર્ણ કરવાની દિશામાં મક્કમતાથી ડગ માંડ્યા છે. જેના પરિણામે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રનો સુવર્ણકાળ જન જન અનુભવી રહ્યાં છે.

ગુજરાતમાં યોજાયેલી તમામ વાઇબ્રન્ટ ગુજરાત શૃંખલાઓમાં ગુજરાતની હેલ્થકેર સિસ્ટમમાં સર્વગ્રાહી અભિગમ અપનાવીને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ પહેલ હાથ ધરીને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારાયો છે. રાજ્યમાં પેટા આરોગ્ય કેન્દ્રથી સિવિલ હોસ્પિટલની માળખાકીય સુવિધાઓ અને સેવાઓને ઉત્તરોત્તર શ્રેષ્ઠ બનાવવામાં આવી રહી છે.
ટેક્નોલોજીના ઉપયોગથી આરોગ્ય સેવાઓને અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકારે કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં રૂપિયા 2 લાખના આરોગ્ય વીમા કવચથી વીમા યોજનાની શરૂઆત કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત રૂપિયા 10 લાખની વીમા સહાય ઉપલબ્ધ બની છે. રાજ્યમાં હાલ 1 કરોડ 95 લાખથી વધુ લાભાર્થીઓ આયુષ્માન કાર્ડ ધારક છે.
રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને નવી દ્રષ્ટિ આપવાનું કાર્ય સરકારે કર્યું છે. મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી-2022માં મોતીયા અંધત્વ નિવારણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. જે અંતર્ગત ફક્ત બે વર્ષના ટુંકા ગાળામાં 803123 મોતીયાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
ગુજરાતના આ મોડલની કેન્દ્ર સરકારે સરાહના કરીને સમગ્ર દેશમાં નેત્રજ્યોતિ અભિયાનની શરૂઆત કરી. કિડનીની બિમારી ધરાવતા દર્દીઓને ઘર આંગણે ડાયાલિસીસની સુવિધા મળી રહે તે માટે ગત વર્ષે એ વન ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત નવીન 200 થી વધુ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત બન્યા છે. હાલ રાજ્યમાં કુલ ૨૭૨ જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રોમાં દર મહિને અંદાજીત 1 લાખ 10 હજાર જેટલા ડાયાલિસીસ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે.
કેન્સરની બિમારીમાં કિમોથેરાપીની સારવાર જિલ્લા સ્તર સુધી પહોંચાડવા માટે વન સ્ટેટ વન કિમોના ધ્યેયમંત્ર સાથે રાજ્યના તમામ જિલ્લામાં ડે-કેર કિમોથેરાપી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ફક્ત 10 મહિનાના ટૂંકા ગાળામાં 81 હજાર કિમોથેરાપી સેશન કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)માં ઓક્ટોમ્બર-2021માં રૂપિયા 85 કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયોથેરાપી મશીન કાર્યાન્વિત કરાયા છે. આજે સરકારી કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીના મોડલ પર વડોદરા, સુરત, રાજકોટ શહેરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ- મેડિસીટીનું નિર્માણ કાર્ય આરંભવામાં આવ્યું છે. રાજ્યના SOTTO(State Organ Tissue and Transplant Organisation) એકમ દ્વારા અંગદાનથી નવજીવનના ધ્યેયમંત્ર સાથે માનવસેવા અને ફરજનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરાયુ છે. રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વેગવંતી બની છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૨૯૨ અંગદાન થયા અને ૨૪૨૨ જેટલા કેડેવર અને જીવંત ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયા.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષમાં 130 જેટલા અંગદાનમાં મળેલા 418 અંગો થકી 401 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. આજે સરકારી હોસ્પિટલમાં અંગદાનની શ્રેષ્ઠ પ્રવૃતિ માટે સમગ્ર દેશમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોડલરૂપ બની છે.
દેશના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત બને, વિદ્યાર્થીઓને ઘરઆંગણે મેડિકલ શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતની શૃંખલાઓમાં વ્યક્ત કરેલા નિર્ધારને ગુજરાત સરકાર ફળીભૂત કરી રહી છે. 2 વર્ષ પહેલા રાજ્યમાં 31 મેડિકલ કૉલેજમાં 5500 જેટલી MBBS ની બેઠકો હતી. આજે રાજ્યામાં 40 મેડિકલ કૉલેજમાં 7050 જેટલી બેઠકો કાર્યરત થઇ છે.
શહેરી આરોગ્ય સેવાઓ ઉપરાંત ગ્રામ્ય આરોગ્ય સેવાઓનું સુદ્રઢીકરણ જ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે છે. છેલ્લા બે દાયકાઓમાં આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવા રાજ્ય સરકારે સરાહનીય કામગીરી કરી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા નક્કર ચિંતન મુજબ ગુજરાત હેલ્થ સાથે લોકોના વેલનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
કેન્દ્ર સરકારના 8710 HWC(હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)ના લક્ષ્યાંકની સામે રાજ્ય સરકારે 8807 સેન્ટર કાર્યરત કર્યા છે. જે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પ્રવર્તમાન સમયમાં વધતા જતા ટેકનોલોજીના વ્યાપ વચ્ચે ટેલિમેડિસીન સેવાઓનો અભિગમ ઉભરીને બહાર આવ્યો છે. રાજ્ય સરકારે આ ટેલિમેડીસીન સેવાઓ થકી રાજ્યના અંતરીયાળ વિસ્તારમાં રહેતા વ્યક્તિ સુધી પણ નિષ્ણાંત તબીબોની સેવા- તબીબી પરામર્શ સુપેરે પહોંચાડી છે. છેલ્લા બે વર્ષમાં 61.27 લાખ દર્દીઓએ રાજ્યમાં ટેલિમેડિસીન - ટેલીકન્સલ્ટેશન સેવાનો લાભ મેળવ્યો છે.
ટેકનોલોજી, એપ્લીકેશનના ઉપયોગ થકી આરોગ્ય સેવાઓના સરળીકરણની દિશામાં કાર્ય કરીને સ્માર્ટ રેફરલ એપ બનાવવામાં આવી છે. એપ્રિલ-૨૦૨૩માં સ્માર્ટ રેફરલ એપ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. હાઇરીસ્ક સગર્ભાઓ, નવજાત શિશુ, ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા દર્દી અને ઇમરજન્સી સેવાઓને સરળ અને સધન બનાવવાના ઉદ્દેશ સાથે આ એપને કાર્યાન્વિત કરવામાં આવી છે. આ એપના માધ્યમથી હોસ્પિટલમાં તબીબો, આઇ.સી.યુ.ની સુવિધા, ઓક્સિજનની ઉપલબ્ધતા, બ્લડની ઉપલબ્ધતા જેવી અગત્યની સેવાઓની રીયલ ટાઇમ માહિતી દર્શાવવામાં આવે છે. જે આકસ્મિક સારવારમાં દર્દી અને તબીબ બંને માટે કારગત નિવડે છે.
હોસ્પિટલ સાથે હોસ્પિટાલીટીના અભિગમ સાથે રાજયની 6 સરકારી મેડિકલ કૉલેજ, 8 GMERS કૉલેજ, 21 ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને 58 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મળીને કુલ 93 હોસ્પિટલમાં પેશન્ટ હેલ્થ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દર્દી અને સગાઓ માટે હેલ્પ ડેસ્કની સુવિધા ઉપરાંત આરોગ્ય સેવા-સુવિધાઓની માહિતી દર્શાવતા ભીંત ચિત્રો, બેનર, હોર્ડિંગ્સ દ્વારા પ્રચાર-પસારના માધ્યમથી જન જાગૃતિની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને સંલગ્ન યોજનાઓનો વ્યાપ વધારવા માટે પ્રથમ વખત વર્લ્ડ બેન્ક દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
SRESTHA શ્રેષ્ઠ ગુજરાત પ્રોજ્ક્ટ અંતર્ગત 500 મિલીયન યુ.એસ. ડોલરની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાંથી ૩૫૦ મિલીયન યુ.એસ. ડોલરના કાર્યક્રમને મંજુરી આપવામાં આવી છે. જેમાં રાજ્યની આરોગ્ય સેવાઓની ગુણવત્તા, સમાનતા , પ્રાથમિક આરોગ્ય સેવાઓ, માતા મૃત્યુદર, બાળમૃત્યુદર, કુપોષણ, બિનચેપી રોગો જેવા આરોગ્ય વિષયક વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરાશે. વર્ષ ૨૦૨૧માં કોવિડ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ, મહત્તમ NQAS સર્ટીફિકેટ ધરાવતી આરોગ્ય સંસ્થાઓ માટે બેસ્ટ હેલ્થ કેર ક્વાલીટી સર્વિસ એવોર્ડ, મહત્તમ આયુષ્માન કાર્ડ કાઢવા માટે આયુષ્માન ઉત્કૃષ્ઠ પુરસ્કાર - 2022 એવોર્ડ, અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે રાજ્ય સરકારના SOTTO એકમ દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠત્તમ કામગીરી બદલ ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં પ્રધાનમંત્રી એક્સલન્સ એવોર્ડ સહિતના વિવિધ બહુમાન પ્રાપ્ત થયા છે.
દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારીને સમાજના દરેક વર્ગ, સમુદાય, વિસ્તાર સુધી તેને સુપેરે પહોંચાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
રાજ્યના નાગરિકોને આંગળીના ટેરવે આરોગ્ય સેવાઓની માહિતી મળે, ઘરઆંગણે સુવિધાઓ ઉપલબ્ધ બને, દરેક વ્યક્તિ નિરોગી અને તંદુરસ્ત રહે, બાળક કુપોષણ મુક્ત બને, માતા-બહેનો એનિમિયા મુક્ત બને તે માટે રાજ્ય સરકાર પ્રોગ્રેશીવ કેર ઉપરાંત પ્રિવેન્ટીવ અને પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને રાઉન્ડ ધ ક્લોક નાગરિકોની સેવામાં સેવારત છે












Click it and Unblock the Notifications
