છેવાડાના ખેડૂતોને મળશે સિંચાઇનું પાણી, જાણો પાણી પુરવઠા યોજનાઓ

water supply schemes: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂપિયા 6240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગૃહમાં જણાવ્યું હતું કે, 30 વર્ષ અગાઉ ગુજરાતમાં પીવાના પાણી માટેની શું પરિસ્થિતિ હતી, તેના આપણે સૌ સાક્ષી છીએ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દર વર્ષે દુકાળની પરિસ્થિતિ સામાન્ય બાબત હતી, અછતગ્રસ્ત જિલ્લાઓમાં અડધાથી વધારે ગામોને ટેન્કરથી પાણી આપવામાં આવતુ હતું, પાણીના ટીપા ટીપા માટે બહેનો દ્વારા બેડા યુદ્ધ થતા હતા. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આખે આખુ ટેન્કરરાજ અમલમાં હતું.

આવા સમયમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની તકલીફમાં પણ તક શોધવાની, આપત્તિને અવસરમાં ફેરવવાની દિર્ઘદ્રષ્ટીથી, પીવાના પાણીના ક્ષેત્રે એક અભૂતપૂર્વ કામગીરી કરી છે. રાજ્ય સરકારે છેવાડાના માનવીના કલ્યાણને ધ્યાનમાં રાખીને, રામ રાજ્યની વિભાવના સાકાર કરી છે. જેના પરિણામે ગુજરાત દરેક ક્ષેત્રે દેશનું મોડલ સ્ટેટ બન્યું છે.

water supply schemes

મંત્રી કુંવરજીભાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે, પીવાના પાણીની જોગવાઈ એ રાજ્યની પ્રાથમિક જવાબદારીઓમાંની એક છે. ગુજરાત સરકારે પીવાના પાણીની મર્યાદિત ઉપલબ્ધતાની સમસ્યાને દૂર કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. ગુજરાત, એ ભારતનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત સરકાર તેના તમામ નાગરિકોને પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવા અને કૃષિ - ઉદ્યોગના આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે આ દિશામાં, મહત્તમ સરફેસ સોર્સ આઘારીત પાણીના ઉપયોગ માટેના સુદ્રઢ પગલાં લીધાં છે.

મંત્રીએ કહ્યું હતું કે, પાણી પુરવઠા વિભાગે રાજ્યની પાણીની અછતની સ્થિતિને ટકાઉ ધોરણે નિવારવાના લક્ષ્ય સાથે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ બનાવવાની પહેલ કરી, તમામને પૂરતા પ્રમાણમાં પાણી સુનિશ્ચિત કરાવવા માટે મજબૂત માળખું બનાવવામાં આવ્યું છે.

છેલ્લા બે દાયકામાં, ગુજરાત જળ સુરક્ષા અને જળ સંસાધનોના કાર્યક્ષમ સંચાલન તરફની પહેલ માટે દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા માટે પાણીના માળખામાં રોકાણ, લાંબા ગાળાની જળનીતિના અમલીકરણ, સ્થાનિક માળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠા સેવાઓના સંચાલનમાં ગ્રામીણ સમુદાયોની ભાગીદારીને, પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 22 વર્ષથી પીવાના પાણીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામો થયા છે. રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં રૂપિયા 20000 કરોડથી વધુ રકમના ખર્ચે રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડના નિર્માણ થકી 3200 કિમી બલ્ક પાઇપલાઇનનું નિર્માણ થયું છે. આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના 18152 પૈકી 14926 ગામો તેમજ 241 શહેરો નર્મદા તથા અન્ય સરફેસ સ્ત્રોતથી જોડાયેલ છે, જે થકી સમગ્ર રાજ્યમાં 352 જૂથ યોજનાઓ હેઠળના 1432 હેડવર્ક/સબહેડવર્ક થકી 4.36 કરોડ લોકોને દૈનિક 3200 એમએલડી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

મંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સ્વપ્ન સમાન જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ સપ્ટેમ્બર-2022 થી સપ્ટેમ્બર-2023 સુધી 1483 યોજનાઓ પૂર્ણ કરી લોકોને ઘર આંગણે શુદ્ધ અને પૂરતું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જયારે રૂપિયા 79 કરોડની 135 યોજનાઓની કામગીરી મંજૂર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નવીન રૂપિયા 549 કરોડની યોજનાઓનું લોકાર્પણ, રૂપિયા 969 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે.

રાજયમાં છેલ્લા એક વર્ષમાં 899 ગામોને સમાવેશ કરતી અંદાજીત કિંમત રૂપિયા 1238 કરોડની, 25 જૂથ પાણી પુરવઠા અને ફળીયા કનેક્ટીવીટી યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે બોટાદ જિલ્લામાં રૂપિયા 376 કરોડનાં બલ્ક પાઈપલાઈનનાં કામો પૂર્ણ કરવામાં આવેલ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માટે રૂપિયા 2080 કરોડના બલ્ક પાઈપલાઈનનાં કામો પ્રગતિ હેઠળ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં પાણીની ઉપલબ્ઘિની સુનિશ્ચિતતાના કારણે, આજે તે વિસ્તારથી લોકોનુ સ્થળાંતર અટકયુ છે, તથા ઔઘોગિક ક્રાંતિ થઈ છે. ચાલુ વર્ષે, 9 જૂથ યોજનાઓના કામો પૂર્ણ કર્યા છે જેમાં, 388 ગામોનો સમાવેશ થાય છે.

મંત્રીએ પાણી પુરવઠા અંતર્ગત બજેટમાં મહત્વની યોજનાઓની માહિતી આપતા કહ્યું હતું કે, જલ જીવન મિશન માટે રૂપિયા 2511 કરોડ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 1324 કરોડ, નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 885 કરોડ, રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર માટે રૂપિયા 100 કરોડના ખર્ચે નવા STP, ડિ-સેલીનેશન પ્લાન્ટની સ્થાપના માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા, આદિવાસી વિસ્તારોમાં ગ્રામીણ આંતરિક પાણી પુરવઠા યોજનાઓ માટે 10 ટકા લોકફાળાની રકમ ભરવાથી મુક્તિ આપવામાં આવી છે. આવી જ રીતે, અનુસૂચિત જાતિની 40 ટકા કે 250 થી વધુ વસ્તી ધરાવતા ગામો માટે પણ લોકફાળામાંથી મુક્તિ આપવા જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ નાગરિકને વર્ષ 2024 સુધીમાં ઘરે-ઘરે શુધ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે વડાપ્રધાને હર ઘર જલ યોજના જાહેર કરી છે અને જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના ગ્રામીણ વિસ્તારોમાં, તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવા માટેના જોડાણ આપવામાં આવ્યા છે.

અમારા વિભાગે રાજ્યની તમામ અમલી યોજનાઓની સમીક્ષા કરી, વ્યક્તિ દીઠ 70 લીટરમાંથી 100 લીટર પાણી મળી રહે, તે માટે જ્યાં જરૂરી જણાય ત્યાં સોર્સનો કાર્યક્ષમ ઉપયોગ થાય, તે મુજબ ફેરફાર કર્યા છે. આગામી ત્રણ વર્ષમાં, ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ગામોને તબક્કાવાર પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કર્યું છે.

રાજ્ય સરકાર, તમામ જિલ્લા તાલુકાને સરફેસ વોટર આધારીત કાયમી પાણી આપવા સંકલ્પબદ્ધ છે. આદિજાતિ વિસ્તારો કે, જ્યાં ઉપરના ગામડાઓમાં સરફેસ સ્ત્રોત નથી, ત્યાં બલ્ક લાઇન મારફતે સરફેસ સોર્સ ઉભા કરવાનો નિશ્ચય છે. જેના ભાગ રૂપે રૂપિયા 1541 કરોડની 1430 ગામોને આવરી લેતી પાંચ બલ્કપાઇપલાઈન યોજના મંજૂર કરી છે.

ઢાંકી અને નાવડા આઘારીત સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડથી 2500 એમએલડીની કેપેસીટી છે, તેમાં બોટાદ, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરંબદર, ગીર સોમનાથ જિલ્લાઓ માટે ક્ષમતા સંવર્ઘનના ઉદ્દેશ્યથી નાવડાથી ચાવંડ - 85 કિમી બલ્ક પાઇપલાઇન, ઢાંકીથી નાવડા 97 કિમી પાઇપલાઇન અને ધરઈથી ભેસાણ સુઘીની 63 કિમી પાઇપલાઇનના કામો પ્રગતિ હેઠળ છે.

પીવાના પાણીનું માળખુ યોગ્ય અને સક્ષમ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે અને યોગ્ય ગુણવતા વાળુ, પૂરતી માત્રામાં અને સમયસર રોજે રોજ પાણી વિતરણ સુનિશ્ચિત બને તે ઉદેશ્યથી, પાણીની ગુણવત્તા અને જથ્થાના મિટરિંગનો પ્રોજેક્ટનુ અમલીકરણ હાથ ઘરવામા આવ્યું છે.

આદિજાતિ વિસ્તારોમાં ભુતકાળનું માળખું હેન્ડપંપ આધારિત હતું, તેમાં બદલાવ કરી ઘરે ઘરે નળ ઉપલબ્ધ બને તે આશય થી છેલ્લા ત્રણ વર્ષમાં અમારી સરકારે આદિજાતિ વિસ્તારમાં વિવિઘ કામોનું અમલીકરણ કરેલ છે. આદિજાતિ વિસ્તારના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વલસાડમાં બલ્ક લાઇનના કામો હાલ પ્રગતિમાં છે, પરંતુ હાલ ટૂંકા ગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે સ્થાનિક સોર્સ - ભુગર્ભ જળ આધારીત સ્ત્રોતો ઊભા કરવામા આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા તારીખ 28-05-2017ના રોજ ગટરના શુદ્ધિકરણ કરાયેલા પાણીના પુન: ઉપયોગ અંગેની નીતિ જાહેર કરવામા આવેલ છે. આ નીતિનો ધ્યેય શુદ્ધ પાણીના જળસંશાધનો પરની નિર્ભરતા ઘટાડવાનું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં પીવાના પાણીનો વૈકલ્પિક સોર્સ ઉભો કરી સ્થાનિક વિસ્તારમાં જળસલામતિ પ્રદાન કરવા હેતુ, દરિયાકાઠાંના કુલ ચાર સ્થળોએ સ્થાનિક જરૂરીયાત મુજબ દરીયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે 4 સ્થળોએ (1) ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે (નવા રતનપર) ૭ કરોડ લીટર, (2) ગીરસોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ગામે ૩ કરોડ લીટર, (3) દેવભૂમી દ્વારકા જિલ્લાના ગાંઘવી ગામે 7 કરોડ લિટર અને (4) કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે 10 કરોડ લીટર આમ કુલ ૨૭ કરોડ લીટર દૈનિક ક્ષમતાના ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ થકી અછતની પરિસ્થિતીમાં સંપૂર્ણ પણે નર્મદા આધારિત રહેવાની જગ્યાએ દરિયાના પાણી થકી, પાણીની સુરક્ષાની બાબતમાં આ સરકારનું એક નિર્ણાયક કદમ છે.

ગુજરાત ઘરવપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અધિનિયમ 2019નો હેતુ પાણીના અનઅધિકૃત ઉપાડ અટકાવવાનો, પાણી પુરવઠાની આંતરમાળખાકીય સુવિધાને નુકશાન થતું અટકાવવાનો અને ઘર વપરાશની પાણી પુરવઠા વ્યવસ્થાનું સંરક્ષણ કરવાનો છે.

વોટર ઓડીટની જાગૃત્તિ લાવનાર ગુજરાત રાજય ભારતનું પ્રથમ રાજય બન્યું છે. રાજ્યમાં આઈટીઆઈ કેન્દ્રો મારફત પ્રતિ બેચ 25 ઓપરેટર પ્રમાણે તાલીમ શરૂ કરવામાં આવેલ છે. સાથોસાથ તાલીમ પૂર્ણ થયા બાદ ઓપરેટર પોતાના ગામની યોજનાની મરામત અને જાળવણી સારી અને અસરકારક રીતે કરી શકે, તેમજ રોજ બરોજનું રીપેરીંગ સમયસર થઇ શકે તે માટે જુદા-જુદા સાધનો સાથેની ટૂલકીટ આપવામાં આવી છે.

પાણી પુરવઠા પ્રભાગની સેવાઓ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1916 કાર્યરત કરવામાં આવ્યો છે, તેમજ મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે 24 કલાકનો કંટ્રોલ રૂમ કાર્યરત છે.

આમ, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2019 થી 2024 સુધીમાં 5 વર્ષમાં હર ઘર જલના સપનાને સિદ્ધ કરવાના સંકલ્પને ગુજરાત રાજયએ પરિપૂર્ણ કર્યો છે. પાણી પુરવઠા પ્રભાગની રૂપિયા 6242 કરોડની માતબર રકમની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X