આજે સાબરમતી રિવરફ્રન્ટ મોડેલના અભ્યાસ માટે પાકિસ્તાની અધિકારીઓ અમદાવાદમાં
અમદાવાદ, 21 મે : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં વિકાસ પામેલા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું મોડલ હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય બન્યું છે. આ મોડેલને સાકાર બનાવવાની સિદ્ધિ ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે. આ મોડેલની સફળતાથી પ્રેરાઇને પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ તેનો અભ્યાસ કરવા આજે અમદાવાદ પહોંચ્યું છે.
પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ આ માટે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવ્યું છે. જેમાં 20 જુલાઇના રોજ તે દિલ્હી પહોંચ્યું હતું. આજે 21 જુલાઇના રોજ તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (SRDP)ની મુલાકાત લઇને અભ્યાસ કરશે. ત્યાર બાદ 22 જુલાઇના રોજ તેઓ દિલ્હી પરત ફરવાના છે.
આ ટીમમાં લાહોરના કમિશનર રાશીદ મેહમૂદ લાંગ્રિયાલ, લાહોર ડેવેલપમેન્ટ ઓથોરિટી (એલડીએ - LDA)ના ડિરેક્ટર જનરલ એહાદ ખાન ચીમા, એલડીએના સ્ટ્રેટેજિક પોલિસી યુનિટના વડા મોઆઝામ સિપ્રા અને પાકિસ્તાનના શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ટેકનિકલ એક્સપર્ટ/કન્સલ્ટન્ટ મુસ્તફા કમાલ ચૌધરીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના પંજાબ રાજ્યના એક અધિકારીએ જણાવ્યું કે 'આ મતો એલડીએ દ્વારા રાવિ રીવરફ્રન્ટ અર્બન ડેવેલપમેન્ટ પ્રોજેક્ટ (RRUDP)નો એક વિદેશી કન્સલ્ટન્સી કંપનીના ટેક્નિકલ માર્ગદર્શન કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે, પણ એલડીએના નિષ્ણાતોને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટનો અભ્યાસ કરવો છે અને લાહોરમાં તેના જેવો જ પ્રોજેક્ટ બનાવવો છે.'
પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે જ્યારે સાબરમતી રીવરફ્રન્ટ વિશે સાંભળ્યું અને જાણકારી મેળવી તે પછી તેમણે આ યોજનામાં રસ લીધો હતો. તેમણે જ ચાર અધિકારીઓને અમદાવાદ મોકલવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાની ટૂકડી વાઘા સરહદે થઈને અમૃતસર પહોંચી હતી અને ત્યાંથી નવી દિલ્હીની ફ્લાઈટ પકડી હતી. દિલ્હીથી તેઓ અમદાવાદ આવશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના તેમના શાસન દરમિયાન જે મોટી વિકાસક્ષી યોજનાઓ હાથ ધરી હતી તેમાંની એક સાબરમતી રીવરફ્રન્ટ યોજના છે.