પીએમ ગતિશક્તિ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીના રોજ યોજાશે: એમ. કે. દાસ
ગાંધીનગર, 28 ડિસેમ્બર: બંદર અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાનીએ એક પત્રકાર પરીષદમાં જાહેરાત કરતા જણાવ્યુ કે, ગુજરાત સરકારના ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) દ્વારા મુખ્ય વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન 'પીએમ ગતિશક્તિ: ઇન્ફોર્મ્ડ ડિસિઝન મેકિંગ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ' (સર્વગ્રાહી વિકાસ માટે માહિતી આધારિત નિર્ણયો લેવા) પર સેમિનાર આયોજિત કરવામાં આવશે. આ માહિતીપ્રદ અને પરિવર્તનકારી સેમિનાર 10 જાન્યુઆરી 2024 ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સેમિનાર હોલ-2માં 14.30 થી 17.30 દરમિયાન યોજાશે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પીએમ ગતિશક્તિ, વિક્ષેપો ઘટાડવા અને સમયસર કામ પૂર્ણ કરવાની સુનિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રિત કરીને મલ્ટિમોડલ કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે તેમજ લોકો, માલસામાન અને સેવાઓની સરળ હેરફેર માટેની મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે સંબંધિત મંત્રાલયો અને વિભાગોમાં સંકલિત અને સર્વગ્રાહી આયોજન માટે પરિવર્તનકારી અભિગમ છે.
બંદર અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસએ જણાવ્યુ કે, પીએમ ગતિ શક્તિ સેમિનારનો ઉદ્દેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટકાઉ વૃદ્ધિ અને માહિતી આધારિત નિર્ણયો લેવા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવાનો છે, જે ભારત અને ગુજરાત બંને માટે આ મુદ્દાઓની અસરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ સેમિનાર સર્વગ્રાહી વિકાસમાં GIS-આધારિત આયોજનના મહત્વ પર ભાર મૂકીને પીએમ ગતિશક્તિના બહુપક્ષીય પાસાઓનો પણ અભ્યાસ કરશે. આમાં માત્ર ભૌતિક માળખાકીય સુવિધાઓ જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક પાસાઓનો પણ સમાવેશ થાય છે. આ સેમિનારનો સર્વોચ્ચ ઉદ્દેશ, વ્યાપક અને ટકાઉ વૃદ્ધિ માટે સ્ટ્રેટેજીઓને એક્સપ્લોર કરવાનો અને માહિતી આધારિત, ડેટા આધારિત નિર્ણયો લેવાની સંસ્કૃતિને વિકસિત કરવાનો છે.
સેમિનારની વિગતો અંગે વાત કરતા ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યુ કે, ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ દ્વારા સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સેમિનારમાં ભારત સરકારના જી20 શેરપા શ્રી અમિતાભ કાંત, કોમ્યુનિકેશન મંત્રાલયમાં DCCના ચેરમેન અને ટેલિકોમ્યુનિકેશન સેક્રેટરી ડૉ. નીરજ મિત્તલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સેક્રેટરી પંકજ જૈન અને લોજિસ્ટિક્સ, DPIITના સ્પેશિયલ સેક્રેટરી સુમિતા ડાવરા (IAS) જેવા મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ 'લીવરેજિંગ ટેક્નોલોજી ફોર મલ્ટિમોડલ એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ' પર એક ટેક્નિકલ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનિકલ સત્રની અધ્યક્ષતા ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના સીઇઓ બંછાનિધિ પાની (IAS) કરશે. સત્રના મુખ્ય વક્તાઓમાં ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (BISAG-N)ના ડાયરેક્ટર જનરલ ટી.પી. સિંઘ; સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC/ISRO), અમદાવાદના ડાયરેક્ટર નીલેશ એમ. દેસાઇ; નેશનલ બ્રોડબેન્ડ મિશનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને મિશન ડાયરેક્ટર નીરજ કુમાર; દાહોદ જિલ્લાના કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવી (IAS); ગતિશક્તિ (ટ્રાફિક), રેલ્વે મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કમલેશ ગોસાઈ (IRTS), ગ્રેજ્યુએટ, સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી, યુનિવર્સિટી ઓફ ટોક્યોના પ્રોફેસર અને ADB ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડીન અને સીઈઓ મસાહિરો કવાઈ; અને ટ્રેડ લોજિસ્ટિક્સ બ્રાન્ચ, ડિવિઝન ઓન ટેક્નોલોજી એન્ડ લોજિસ્ટિક્સ, UNCTADના હેડ ડૉ. જેન હોફમેનનો સમાવેશ થાય છે.
આ સત્રમાં પીએમ ગતિશક્તિનો સર્વગ્રાહી આયોજનમાં ઉપયોગ કેવી રીતે થયો અને પીએમ ગતિશક્તિ વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સના આયોજનમાં વિવિધ સરકારી એજન્સીઓને કેટલી અસરકારક રીતે મદદરૂપ થયું, તેના વાસ્તવિક કેસ સ્ટડીઝ પર પ્રેઝન્ટેશન્સ કરવામાં આવશે. સત્ર દરમિયાન, બે આંતરરાષ્ટ્રીય વક્તાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગમાં આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજીની બેસ્ટ પ્રેક્ટિસિસ શેર કરશે.
વધુમાં, સપ્લાય ચેઇન નેટવર્કની મજબૂતી અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે નવીન વ્યૂહરચનાઓને એક્સપ્લોર કરવા અને તે અંગે ચર્ચા કરવા માટે 'રેઝિલિયન્ટ સપ્લાય ચેઇન અને સ્માર્ટ લોજિસ્ટિક્સ' પર એક પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતો, થોટ લીડર્સ અને પોલિસી મેકર્સની પેનલ હશે. પેનલ ચર્ચાની અધ્યક્ષતા DPIITના સચિવ રાજેશ કુમાર સિંઘ (IAS) કરશે અને FICCIના સેક્રેટરી જનરલ શૈલેષ પાઠક દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. અન્ય પ્રતિષ્ઠિત પેનલિસ્ટ્સમાં ડીપી વર્લ્ડના મિડલ ઈસ્ટ, નોર્થ આફ્રિકા અને ઈન્ડિયા સબકોન્ટિનેન્ટના સીઇઓ અને એમડી રિઝવાન સૂમર, APM ટર્મિનલ્સના એશિયા એન્ડ મિડલ ઈસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથન આર. ગોલ્ડનર, સેફએક્સપ્રેસ પ્રા. લિ.ના પ્રેસિડેન્ટ અનિલ સ્યાલ, અને IoT અને AI, NASSCOM માટેના સેન્ટર ફોર એક્સલન્સના સીઇઓ સંજીવ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, આ સેમિનારનો ઉદ્દેશ એક ઇનસાઇટફુલ અને આકર્ષક કાર્યક્રમનું આયોજન કરવાનો છે,જે સહભાગીઓને GIS આધારિત પ્લાનિંગ ટુલ તરીકે પીએમ ગતિશક્તિના પરિવર્તનકારી પાસાઓને સમજવાની તક આપે છે. આ સેમિનાર સર્વગ્રાહી વિકાસ, માહિતી આધારિત નિર્ણય પ્રક્રિયા અને ગુજરાત અને દેશના ટકાઉ વિકાસ માટે કાર્યક્રમની અસરોની વ્યાપક સમજ પ્રદાન કરશે.
અમે આ પ્રભાવશાળી સત્ર માટે અમારી સાથે જોડાવા માટે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. તમારી સહભાગિતા આ સેમિનારની સફળતામાં ફાળો આપશે અને સર્વગ્રાહી વિકાસના માર્ગ પર અર્થપૂર્ણ ચર્ચાઓને સરળ બનાવશે.












Click it and Unblock the Notifications
