અઠવાડિયાના બે દિવસ પોલીસ અધિકારીઓ સાંભળશે જનતાની રજૂઆત, ગૃહ મંત્રીએ આપ્યો આદેશ
Gujarat Police: રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારના રોજ ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે.
આ સાથે આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહીં કરવા પણ સૂચના આપી છે.
આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સૂચન કરવામાં આવ્યું છે.
રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે છેક ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ તેમની સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંતર્ગત કચેરીના વાળા હોય તેવા તમામ પોલીસ અધિકારીએ દર સોમવાર અને મંગળવારના રોજ અરજદારોને મુલાકાત માટે નિયત સમય ફાળવવાનો રહેશે.
આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય, તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરાવવાની રાજ્યના પોલીસ મહાનિદેશકને સૂચનાઓ આપી છે.












Click it and Unblock the Notifications
