સાણંદના વીકેન્ડ હોમમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડો, 81 નબીરાઓ ઝડપાયા
અમદાવાદ નજીક આવેલા સાણંદના ગોરજ ગામની સીમમાં પોલીસે મોડી રાત્રે એક હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
'નિર્માણા ગ્રીન્સ' નામના ખાનગી વીકેન્ડ હોમમાં ચાલી રહેલી આ મહેફિલમાંથી પોલીસે કુલ 81 નબીરાઓની અટકાયત કરી છે, જેમાં અનેક યુવતીઓનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ આલીશાન પાર્ટી કોઈની 25મી એનિવર્સરી નિમિત્તે યોજવામાં આવી હતી, જેમાં શહેરના ધનાઢ્ય પરિવારના નબીરાઓ અને જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી.
પાર્ટીમાં મહેમાનો માટે લક્ઝૂરિયસ ફૂડ કાઉન્ટર્સની સાથે વિદેશી દારૂ અને હુક્કાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં પોલીસે સ્થળ પરથી 11 હુક્કા ટેબલ ઝડપી પાડ્યા છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મોંઘીદાટ દારૂની બોટલો, નશીલા પદાર્થો અને અંદાજે 20 જેટલી વૈભવી લક્ઝરી કાર જપ્ત કરીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
સાણંદ પોલીસને મળેલી સચોટ બાતમીને આધારે આ દરોડો પડતા જ પાર્ટીમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે ચુસ્ત ઘેરાબંધી કરીને તમામની અટકાયત કરી લીધી હતી.
ઝડપાયેલા તમામ નબીરાઓને મોડી રાત્રે મેડિકલ ટેસ્ટ માટે સાણંદની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે વગદાર લોકોના ભલામણ માટે ફોન રણકવા છતાં પોલીસે કડક વલણ અપનાવ્યું હતું.
હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, જેના કારણે લક્ઝુરિયસ ફાર્મ હાઉસ અને વીકેન્ડ હોમમાં પાર્ટી કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.












Click it and Unblock the Notifications
