રાજકીય પક્ષોને રખડતા ઢોરમાં પણ દેખાઈ રહી છે વોટબેંક!
ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર ગત રોજ મળ્યું અને રખડતાં ઢોરને નિયંત્રણ કરતા બીલને પરત ખેંચવા માટે અધ્યક્ષ પાસે શાસક પક્ષ દ્વારા પરવાનગી માંગવામાં આવી અને અધ્યક્ષે મંજૂરી પણ આપી દીધી. એટલે કે ગત સત્રમાં ગૃહમાં રજૂ થયેલ બીલને એજ સરકારે પરત ખેંચી લીધું. કારણ તો, માલધારી અને ગોપાલક વોટબેંકની નારાજગી ચૂંટણીમાં ભારે ન પડે.

જોકે, શહેરમાં બેફામ ફરતી ગાયો અને અન્ય રખડતાં ઢોરના કારણે સેંકડો લોકો ઇજાગ્રસ્ત પણ થાય છે. વાહન અકસ્માતના બનાવો પણ બહાર આવે છે. કેટલાક બનાવોમાં જીવથી હાથ ધોવાનો વારો પણ આવે છે. પરંતું, ગાયના નામે જૂવાળ ઉભો કરી લોકોને ભડકાવીને સત્તામાં આવેલી ભાજપ હવે ગાય મુદ્દે જો પીછેહઠ કરે તો કોંગ્રેસને પણ ભાવતું મળી જાય છે.
કોંગ્રસ પણ હવે એજ રસ્તામાં રખડતી ગાયોને મુદ્દો બનાવી ભાજપને ધ્વસ્ત કરવા માંગે છે. એટલે રખડતાં ઢોરની વ્યાપક સમસ્યાને નજરઅંદાજ કરીને લોકોને ભ્રમિત કરવાનો જ પ્રયાસ કરે છે.
ખરેખર નાગરિકોની સુરક્ષા અને સલામતિ માટે માલધારી સંગઠનોએ સમજવાની આવશ્યકતા છે. રાજ્ય સરકારે પણ આ કાયદાનું ક઼ડક પાલન કરવાની આવશ્યકતા હતી તો, આપસી ભાગબટાઇમાં સાથ આપતી કોંગ્રેસે પણ આ બીલને સમર્થન કરી સેંકડો લોકોના જીવની પરવા કરવાની આવશ્યકતા હતી. પરંતું, કોંગ્રેસે માલધારી સંગઠનોને ભડકાવવાનું કામ કરી હલકી કક્ષાની રાજનીતિ કરી છે. રાજ્ય સરકારે પણ નમતુ જોખી તેમને પણ નાગરિકોની સુરક્ષા નહીં પણ વોટબેંક મહત્વની હોવાનુ પુરવાર કર્યુ છે.












Click it and Unblock the Notifications
