સ્ટેચ્યુ ઑફ યુનિટી પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીને ભાજપે ગણાવ્યા સરદાર વિરોધી
સ્ટેચ્યુ ઑફ યુનિટી પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીને ભાજપે ગણાવ્યા સરદાર વિરોધી
અમદાવાદઃ મધ્યપ્રદેશના બે દિવસીય પ્રવાસ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચિત્રકૂટમાં ભગવાન કામનાથના દર્શન કરી એક જનસભાને સંબોધી હતી. દરમિયાન રાફેલ ડીલ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીને લીઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં બની રહેલી સરદાર પટેલની મૂર્તિ પણ મોદી સરકારે ચીન પાસે બનાવડાવી છે. મોદી સરકારે ભારતીય યુવાનોને રોજગાર આપવાને બદલે ચીનના હજારો લોકોને આ મૂર્તિ નિર્માણમાં રોજગાર આપ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું
કોંગ્રેસ અધ્યક્ષના આવાં નિવેદન બાદ આ મામલે રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને કહ્યું કે "નેહરૂને વાંધો હતો સરદારથી, અને તેમના પૌત્રને સરદારની પ્રતિમાથી! એક પરિવારે સરદારની મહિમાને ભૂસવામાં કોઈ કસર નથી છોડી. પણ હવે ગુજરાત સરદાર સાહેબ સાથે વધુ અન્યાય નહિ સાંખે. હજારો ભારતીયોના યોગદાનથી બનેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને ટૂંક જ સમયમાં પીએમ મોદી દેશને અર્પણ કરશે." જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે "ભવ્ય 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું નિર્માણ કરીને સરદારને આખો દેશ શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છે એવા સમયે કોંગ્રેસના અધ્યક્ષ આ પ્રોજેક્ટને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે."
|
અહેમદ પટેલે ઉઠાવ્યા સવાલ
આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી મેડ ઈન ઈન્ડિયા છે અને જૂઠ બોલીને રાહુલ ગાંધી આ તથ્યને બદલી ન શકે. જેના જવાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલે એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં સરદારની મૂર્તિ પાસેથી જઈ રહેલા ચીની મજૂરો નજરે પડી રહ્યા છે, સાથે જ અહેમદ પટેલે પ્રશ્ન પૂછ્યો કે આ ચીની પ્રવાસીઓ છે કે કામદારો?
|
ક્યાં બની રહ્યું છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી
ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમથી ત્રણ કિમી દૂર સાધુ બેટ ઉપર સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે. સરદાર પટેલની પ્રતિમાની ઉંચાઈ 182 મીટર છે જે વિશ્વનું સૌથી ઉંચું સ્મારક બનશે. જણાવી દઈએ કે અમેરિકાના ઐતિહાસિક સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતા સરદારના સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઉંચાઈ બમણી છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી માટે ફાળવવામાં આવેલ બજેટ
જણાવી દઈએ કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી માટે વર્ષ 2014-15ના યુનિટનમાં 2 અબજ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જેને પગલે વિવાદ સર્જાયો હતો, કેટલાય લોકો અને રાજકીય પક્ષોએ મહિલાઓની સલામતી, કૃષિ યોજનાઓ, શિક્ષણ જેવી અન્ય અગ્રતા પર મૂર્તિના ખર્ચની ટીકા કરી હતી પણ આ બધી વાતો વચ્ચે મૂર્તિ હાલ પોતાનું અંતિમ સ્વરૂપ લઈ રહી છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવા માટે ગુજરાતની જનતા પાસેથી 5000 મેટ્રિક ટનથી પણ વધુ લોખંડ એકઠું કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
