વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત પર આવી શકે છે આફત
બંગાળની ખાડીમાં એક શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહીઓ કરી છે. શુક્રવાર મોડી રાત અથવા શનિવાર સવાર સુધીમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.
અહેવાલો અનુસાર, આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનીને પહેલા ડિપ્રેશન અને ત્યારબાદ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. આ તોફાન પૂર્વ કિનારા તરફ આગળ વધી શકે છે, જેની સૌથી વધુ અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા પર જોવા મળશે.

અંબાલાલ પટેલના મતે આ મજબૂત સિસ્ટમના કારણે 22 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. 25 થી 28 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે, જેના પરિણામે કમોસમી વરસાદની સંભાવના છે અને ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.
ડિસેમ્બરની શરૂઆતમાં (2 થી 8 ડિસેમ્બર) દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ જોવા મળશે. આ વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષેપની સંયુક્ત અસરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, ખાસ કરીને પૂર્વ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ અને અમરેલી જેવા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે.
ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સામુદ્રિક પરિમાણો સક્રિય થતાં હવામાનમાં મોટો પલટો આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, જે ગુજરાતમાં ઠંડીમાં વધારો કરશે અથવા વાદળછાયું વાતાવરણ જાળવી રાખશે.
જો આ વાવાઝોડું બને છે, તો તે 27 થી 29 નવેમ્બરની વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સિસ્ટમ 24 નવેમ્બરની આસપાસ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં પહોંચ્યા પછી જ વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે.












Click it and Unblock the Notifications
