દિવાળી પછી ગુજરાત બીજેપીમાં મોટા ફેરફારની તૈયારી
ગુજરાત ભાજપના સંગઠન માળખામાં મોટા ફેરફારોના સંકેતો દેખાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગામી લાભપાંચમ પછી પ્રદેશના સંગઠનમાં નિમણૂકોનો નવો દોર શરૂ થશે, જેમાં નોંધપાત્ર પરિવર્તનો જોવા મળી શકે છે. પ્રદેશ માળખાની વર્તમાન તૈયારીઓ અને સમીકરણો સૂચવે છે કે અનેક દિગ્ગજ નેતાઓને મહત્ત્વના હોદ્દાઓ સોંપાઈ શકે છે.
સંભવિત નામોમાં સાંસદ ધવલ પટેલ અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટને મહામંત્રી બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલા અને હિતેન્દ્ર પટેલને પણ મહામંત્રી અથવા ઉપાધ્યક્ષ જેવા મહત્ત્વના સ્થાનો મળી શકે છે. યુવા નેતાઓમાં ધવલ દવે અને ઋત્વિક પટેલને પણ ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્ત્વનું સ્થાન આપવાનું લગભગ નિશ્ચિત મનાય છે.

સંગઠનમાં અનુભવી ચહેરા તરીકે જયેશ રાદડિયા અને ભરત બોઘરાને પણ મહત્ત્વના હોદ્દાઓ પર નિયુક્ત કરવામાં આવી શકે છે. નવા માળખામાં યુવાનો અને અનુભવી નેતાઓનું યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ જોવા મળશે.
તાજેતરમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરફાર બાદ હવે 20 જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યના વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે જિલ્લા પ્રભારી મંત્રીઓના મામલે પણ નવી નીતિ અમલમાં મુકાઈ રહી છે.
અગાઉના 16 મંત્રીઓમાંથી 10 જૂના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં તેમના હસ્તકના 20 જિલ્લાઓમાં નવેસરથી પ્રભારી મંત્રીઓની નિમણૂક કરવી પડશે. નવા મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યામાં વધારો થતાં પ્રભારી મંત્રીઓની વહેંચણીની નીતિમાં પણ ફેરફાર કરાશે.
હવે સંભવતઃ માત્ર આઠ મંત્રીઓને જ બે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવશે. આ નીતિનો મુખ્ય હેતુ એ છે કે જે મંત્રીઓ પાસે વધુ અને મહત્ત્વના વિભાગોની જવાબદારી છે, તેમને માત્ર એક-એક જિલ્લાનો પ્રભાર સોંપાય જેથી વહીવટી કાર્યભાર સંતુલિત રહે અને જિલ્લાઓના વિકાસ કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
પ્રભારી મંત્રીઓની ફાળવણીમાં થનારા આ બદલાવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જિલ્લા પ્રભારમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે. અગાઉ તેઓ વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હતા પરંતુ હવે તેમને સંભવિતપણે માત્ર ગાંધીનગર એક જ જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવી શકે છે.
મંત્રીમંડળમાંથી પડતાં મુકાયેલા પૂર્વ મંત્રીઓના સ્થાને કુલ 20 જિલ્લામાં નવા પ્રભારી મંત્રીઓ નિયુક્ત થશે. આ જિલ્લાઓમાં અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, ડાંગ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પાટણ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
