
જાણો તમારા ઉમેદવારને: મહુવાથી ભાજપના રાઘવજીભાઈ મકવાણા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં મહુવાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે રાઘવજીભાઈ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. તો રાઘવજીભાઈ મકવાણા વિષે થોડુ જાણીએ. રાઘવજીભાઈના પત્ની ભાવનાબેન મકવાણા હાલના મહુવાના ધારાસભ્ય છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમના પત્નીને ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા અને જીત્યા હતા.
અમરેલી જિલ્લામાં આવેલી મહુવા વિધાનસભાની સીટ પર 2012ની ચૂંટણીમાં ભાવનાબેન મકવાણા 57498 મતોથી વિજેતા બન્યા હતા. મહુવાની સીટ પર ભાજપ વર્ષ 1998થી સતત જીતે છે. એક રીતે જોવા જઈએ તો આ સીટ ભાજપનો ગઢ બની ગઈ છે. તેથી આ ચૂંટણીમાં પણ ભાજપે જીતવા માટેની તૈયારીઓ કરી લીધી છે. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાઘવજીભાઈને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તેમના વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો તેમને બે બાળકો છે. મહુવા તાલુકાના ભાજપના કાર્યકરતામાં તેમની ઘણી સારી છાપ છે.