દાહોદમાં રાહુલ ગાંધીનુ તીરકામઠાથી સ્વાગત, જાણો તેમના સંબોધનની મુખ્ય વાતો
દાહોદઃ આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. રાહુલ ગાંધીનુ તીર કામઠાથી સ્વાગત કરી વર્લી પેઈન્ટીંગ આપવામાં આવ્યુ. રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા ત્યારે સૌએ બે હાથ ઉંચા કરી તેમને આવકાર આપ્યો હતો. તેમજ સમગ્ર સભામંડપ "જય આદિવાસી", જય જોહર અને લડેંગે જીતેંગેના નારાથી ગુંજી ઉઠ્યો હતો. જ્યાં પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યુ હતું. જ્યાં રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં હર્ષદભાઇ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને સંબોધીને જણાવ્યું હતું કે આ આદિવાસી સમાજ તમને વચન આપે છે કી 27 ટ્રાઇબલ સીટ તો અમે આપીશું જ, પરંતુ એની સાથે જ 13 આદિવાસી પ્રભાવિત વિધાનસભા સીટ એમ 40 ની 40 સીટ કોંગ્રેસને આપીશું અને કોંગ્રેસની સરકાર બનાવીશું. પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા. જિજ્ઞેશ મેવાણી પણ સ્ટેજ પર હાજર હતા. રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો, સત્યાગ્રહ એપને પણ ખુલ્લી મુકી.

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ એક પબ્લિક મિટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારત ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસને બે ભારત નથી જોઇતાં. અમને એવું ભારત જોઇએ કે જેમાં સૌને સમાન હક્ક હોય, બધાને તમામ સુવિધા મળે.
કોરોના પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે પીએમ કહે છે થાલી બજાવો, 3 લાખ લોકો મર્યા પણ ટીવી પર એક જ ચહેરો દેખાય છે એ પણ નરેન્દ્ર મોદીનો. હાલની સરકારે સરકારી શાળાઓ બંધ કરી, ખાનગીકરણ કર્યુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકાસની દરેક ઈંટ પર આદિવાસીઓનો હાથ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ જમીન આપને મળે. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી. કહ્યું કે મનરેગા હું રદ નહીં કરું. નોટબંધી કરી જનતાને લાઈનમાં લગાવી, ફાયદો અમીરોને થયો. જીએસટી લાગુ કર્યો, એવો જીએસટી બનાવ્યો કે ગરીબોને નુકસાન થાય, અમીરોને ફાયદો થાય. એક હિન્દુસ્તાન જેમા કોઈ કાયદો નહી, બીજુ હિન્દુસ્તાન ગરીબોનું જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું.
રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, અમે ગુજરાતમાં છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું, વાતો નહીં કરીએ ગેરન્ટી આપીશું. આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે.