રાજકોટના મહિલા DCP સારાહ રિઝવી ‘રૉ’ માટે સિલેક્ટ
રાજકોટ, 3 એપ્રિલ : ગુજરાત પોલીસમાં સારાહ રિઝવી એક માત્ર મહિલા મુસ્લિમ આઇપીએસ અધિકારી છે. તેમની પસંદગી હવે રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રૉ) માટે થતા ગુજરાત માટે ગર્વની બાબત બની છે. હાલ તેઓ રાજકોટના ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અલબત્ત રિઝવીએ આ મુદ્દે કોઇ સ્પષ્ટતા કરી નથી.
ગુજરાત સરકારની હાલની ડેપ્યૂટેશન નીતિ મુજબ ગુજરાતના આઇએએસ કે આઇપીએસ અધિકારીઓને કેન્દ્રમાં કે અન્ય ફિલ્ડમાં મોકલી શકાય એમ નથી. રાજ્ય સરકારની આ નીતિને પરિણામે ડેપ્યૂટેશન પર જવા ઇચ્છુક ઓફિસરને ડેપ્યુટેશન પર પાંચેક વર્ષ સુધી બ્રેક લાગી ગઈ છે.

મહત્વનું છે કે રાજકોટ રેન્જના IGP પ્રવિણાસિંહાની પણ NIA (નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી) માટે પસંદગી થઇ હતી. તે સમયે પણ રાજ્ય સરકારે તેમને ડેપ્યુટેશન પર જવા છૂટ આપી ન હતી. ભૂતકાળમાં ડીજીપી કક્ષાના કે. આર. કૌશિક દિલ્હી ડેપ્યૂટેશન પર સીઆઈરપીએફમાં પસંદ પામ્યા હતા. તેમને પણ રિલીવ કરાયા ન હતા.
ત્યારે રાજકોટના આ મહિલા ડીસીપી સરાહ રીઝવીને રાજ્ય સરકાર દ્વારા રિલીવ કરાશે કે કેમ તે પ્રશ્ન ચર્ચામાં છે.
સારાહ રિઝવીનો જન્મ અને ઉછેર મુંબઇમાં થયો છે. તેમણે મુંબઇની એમએમકે કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પુરું કર્યું છે. તેમના પિતા મુંબઇમાં રેડીમેડ ગારમેન્ટની નાનકડી દુકાન ધરાવે છે. સારાહ જણાવ્યું કે ગ્રેજ્યુએટ થયા બાદ કોમ્પિટિટિવ એક્ઝામ અંગેનો એક લેક્ચર મેં ભર્યો હતો. તેમાંથી મને પ્રેરણા મળી અને મેં કોમ્પિટિટિવ એક્ઝામ માટે અરજી કરી. પ્રિલિમનરી એક્ઝામમાં પ્રથમ બે પ્રયાસોમાં હું નિષ્ફળ ગઇ હતી.
હું કોલેજમાં હતી ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેનો અભ્યાસ પણ કરી રહી હતી. આ માટે મેં ફાઉન્ડેશન કોર્સ કર્યો હતો. જો કે લેક્ચર આપનારા સાહેબે મને સિવિલ સર્વિસીસમાં જવાની પ્રેરણા આપી. મારા પરિવારે પણ સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરવામાં પૂરેપૂરો સપોર્ટ આપ્યો. ત્યાર બાદ મેં ઉત્તરાખંડના મસૂરીમાંથી આઇપીએસની ટ્રેઇનિંગ લીધી.












Click it and Unblock the Notifications
