For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘એનર્જી સિક્યોરિટી આત્મનિર્ભર ભારત રોડમેપ-2022-2047’ પુસ્તકોનું વિમોચન

નરેન્દ્રભાઈએ પંચશક્તિના આધારે ગુજરાતના વિકાસનો પાયો નાખ્યો અને આજે દેશને દિશા આપી રહ્યા છે G-20ના યજમાનીનો અવસર એ ભારતની બદલાયેલી તસવીરનું પરિણામ છે

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નીતિ આયોગના વાઈસ ચેરમેન ડૉ. સુમન બેરીના હસ્તે વડાપ્રધાન શ્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા તથા નાણા પંચના પૂર્વ ચેરમેન ડૉ. એન.કે. સિંહ લિખિત 'રિકેલિબ્રેટઃ ચેન્જિંગ પેરેડાઇમ્સ' તથા ડૉ. કિરીટ શેલત, ડૉ. ઓડેમેરી મ્બુયા અને ડૉ. સુરેશ આચાર્ય દ્વારા લિખિત પુસ્તક 'એનર્જી સિક્યુરિટીઃ આત્મનિર્ભર ભારત રોડ મેપ - 2022-2047'નું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.

Bhupendra patel

પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસની ઇમારત પંચ શક્તિના પાયા પર રચેલી છે અને આજે દેશને એ દિશામાં જ આગળ વધારી રહ્યા છે. જળશક્તિ, ઊર્જા શક્તિ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને જનશક્તિ થકી જ આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની યાત્રા સફળ બનાવી શકાશે. વડાપ્રધાનશ્રીના સ્વરાજથી સુરાજ્ય- ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ આ પુસ્તકોમાં ઝીલાયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વનો કોઈપણ દેશ આજે ભારતને અવગણી શકે એમ નથી. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. ભારત G-20ની યજમાની કરી રહ્યું છે, આ આપણા દેશની બદલાયેલી તસવીરનું પરિણામ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક નારો નથી, પરંતુ દેશની ક્ષમતાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાનશ્રીએ દેશની ક્ષમતાને જાણી છે. દેશની ક્ષમતાઓને રિકેલિબ્રેટ કરવાનો આ સમય છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એનર્જી સિક્યુરિટી અંગેનું કિરીટભાઈ શેલત અને અન્ય તજજ્ઞોએ લખેલું પુસ્તક એ ઊર્જા સુરક્ષાનો રોડ મેપ પૂરો પાડે છે. અમૃતકાળમાં પ્રગટ થયેલાં આ પુસ્તકો વાંચવા અને વિચારવા પ્રેરે એવાં છે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ કહે છે કે સરકારોએ દેશ ચલાવવા નહિ, પરંતુ દેશ બદલવા માટે કાર્ય કરવું જોઈએ. આજે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે. દેશના આરોગ્ય તંત્રથી લઈને કરમાળખામાં ધરખમ ફેરફારો આવ્યા છે. આઝાદી પછીનું સૌથી મોટું ટેક્સ રિફોર્મ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જીએસટી સ્વરૂપે શક્ય બન્યું છે,એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અનુભવી સનદી અધિકારીઓના જ્ઞાન અને અનુભવનો નિચોડ આ પુસ્તકમાં છે. દેશને વિશ્વ ગુરુ બનાવવામાં આ પુસ્તકો દિશાદર્શન પૂરું પાડશે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઊર્જા અને ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં એક તરફ ચારણકામાં સોલર પ્લાન્ટ નખાયો હતો તો બીજી તરફ એશિયામાં સૌપ્રથમ ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન ના પ્રિન્સિપલ સેક્રેટરી તથા રિકેલિબ્રેટઃ ચેન્જિંગ પેરેડાઇમ્સ' પુસ્તકના સહલેખક પી. કે. મિશ્રાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પુસ્તકમાં મેં મુખ્યત્વે પાંચ પ્રકરણો લખ્યાં છે, બાકીના પ્રકરણો એન. કે. સિંહસાહેબે પોતાના અનુભવો અને તલસ્પર્શી જ્ઞાનથી લખ્યાં છે. શ્રી મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે આ પુસ્તકમાં ગુજરાતના અનેક અનુભવોના આધારે મેં ઘણું બધું લખ્યું છે. ગુજરાતનો જે નમૂનેદાર વિકાસ થયો છે, તેમાં મુખ્ય ત્રણ પરિબળો મને જણાયા છે, જેમાં એક લોકજાગૃતિ અને સહભાગિતા છે, બીજું સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓના પ્રયાસો અને ત્રીજું રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સ વચ્ચેના તંદુરસ્ત સંબંધો છે. માઈક્રો લેવલ પર પણ સુશાસનની કેવી અસર હોય છે, તે અંગે તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીએ આ બંને પુસ્તકો વિશે જણાવ્યું હતું કે 50 વર્ષથી વધારે સનદી સેવાઓ આપનારા અધિકારીઓએ પોતાના અનુભવના આધારે આ પુસ્તક આપ્યાં છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આપણો દેશ આજે સક્ષમ નેતૃત્વ હેઠળ નવી ભાત પાડી રહ્યો છે અને સતત આગળ વધી રહ્યો છે. કોરોના જેવી મહામારી વચ્ચે પણ દેશમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો ઘટી રહ્યા છે, એ નાની સુની સિદ્ધિ નથી, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે 'રિકેલિબ્રેટઃ ચેન્જિંગ પેરેડાઇમ્સ' પુસ્તક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. આ પુસ્તક દેશને 5 ટ્રિલિમયન ઇકોનોમી બનવામાં માર્ગદર્શક નીવડી શકે એમ છે. આ બન્ને પુસ્તકોની રાજ્યમાં અને દેશભરમાં વધુમાં વધુ ચર્ચાઓ થવી જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.

પુસ્તક વિમોચન પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે માત્ર 48 કલાકમાં મેં આ બંને પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. વિવિધ ક્ષેત્રોના ટ્રાન્સફોર્મેશન અને વિકાસ માટે આ પુસ્તકો માર્ગદર્શન પૂરું પાડે તેવાં છે. ગ્રાસ રૂટ રિકેલિબ્રેશન સામે અનેક પડકારો છે પરંતુ વરિષ્ઠ સનદી અધિકારીઓના અનુભવ અને જ્ઞાન થકી આ પુસ્તકમાં આપણને પ્રેરણા અને શીખ મળી રહે છે.

મુખ્ય સચિવએ વધુમાં જણાવ્યું હતું કે નીતિ નિર્ધારકો માટે આ પુસ્તકો એક મૂલ્યવાન સંદર્ભ ગ્રંથો બની રહેશે તેવો મને વિશ્વાસ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આપણે ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવું જોઈશે તથા રિન્યુએબલ એનર્જીના સ્રોતોને વિકસાવવા જોઈશે. આ પુસ્તકો પોલીસી રિફોર્મ માટે પણ માર્ગદર્શન પૂરું પાડે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

English summary
Release of books on 'Energy Security Atmanirbhar India Roadmap-2022-2047'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X