સપ્ટેમ્બર 29, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
સપનામાં વાધ પાછળ પડતા દોટ મુકી અને બીજા માળેથી પટકાયા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક અજબનો કિસ્સો નોંધાયો છે. દિલ્હી ઝુમાં એક વાઘે યુવાનને ફાડી ખાધાનો વિડિયો જોઇને ઉંઘી ગયેલા એસઆરપીના રિટાયર્ડ જવાન વિલ્સન જ્હોન ખ્રિસ્તી (45)ને વાઘ પાછળ પડ્યો છે એવું સપનું આવ્યું હતું. ભયભીત જવાને ઉંઘમાં જ દોટ મુકી હતી અને જેના કારણે તેઓ બીજા માળેથી પટકાયા હતા. ઇજાગ્રસ્ત વિલ્સનને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આજે નવ નવા ધારાસભ્યોએ શપથ લીધાં
તાજેતરમાં ગુજરાતમાં યોજાઇ ગયેલી વિધાનસભાની 9 બેઠકો માટેની પેટા ચૂંટણીઓમાં ચૂંટાઇ આવેલા ધારાસભ્યોની શપથવિધિ આજે બપોરે વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ મંગળભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ ગઇ હતી. આ પ્રસંગે રાજ્યના પ્રધાનો અને રાજકીય પક્ષોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ડીસા, ખંભાળિયા, ટંકારા, તળાજા, માંગરોળ, મણિનગર, આણંદ અને લીમખેડા બેઠકોમાં ચૂંટાઇ આવેલા 9 ધારાસભ્યોમાંથી 6 ભાજપના અને 3 કોંગ્રેસના છે.
મુખ્યમંત્રીએ બે પ્રિ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કોન્ફરન્સ ખુલ્લી મુકી
આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ ખાતે બે પ્રિ - વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કોન્ફરન્સને ખુલ્લી મુકી હતી. આ બે કોન્ફરન્સ પૈકી એક સસ્ટેનેબલ એન્ડ ઇન્ક્લુસિવ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ
વિષય અંગે છે. જ્યારે બીજી કોન્ફરન્સ અમદાવાદ સિટી જનમાર્ગ બીઆરટીએસ અંગે છે.
વડોદરામાં સતત ચોથા દિવસે કોમી હિંસા, પથ્થરમારાના બનાવો
ગુજરાતના વડોદરા શહેરમાં રવિવારે સતત ચોથા દિવસે પણ કોમી હિંસા, આગ ચંપી અને પત્થરમારાના બનાવો ચાલુ રહ્યા હતા. રવિવારે વડોદરાના વાડી વિસ્તારમાં રમખાણિયાઓએ પથ્થરમારો કર્યો હતો. વડોદરાના કલાદર્શન ચાર રસ્તા અને ચાંપાનેર દરવાજા વિસ્તારમાં સ્ટેબિંગના બે બનાવો નોંધાયા હતા. આ ઉપરાંત ધમાલ કરનારા શખ્સોએ રોકેટ પણ છોડ્યા હતા. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે.
કેન્દ્રીય રેલવે પ્રધાન મંગળવારે ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય રેલવે પ્રધાન સદાનંદ ગૌડા મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ડીઆરએમ ઓફિસ પર આવશે જ્યાં તેઓ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરશે. ત્યાર બાદ પોતાની મુલાકાતમાં તેઓ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરશે.












Click it and Unblock the Notifications
