
બીજા તબક્કાની સીટો પર ચૂંટણી લડતા 92 ઉમેદવારો સામે ગંભીર ગુના, જાણો એડીઆરનો રિપોર્ટ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે. પહેલા તબક્કા માટે મંગળવારે પ્રચાર ખતમ થઈ જશે, જ્યારે બીજા તબક્કા માટે 5 તારીખે મતદાન યોજાશે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બીજા તબક્કાના ઉમેદવારોને લઈને એડીઆરનો રીપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોની ગુનાહીત છબીન ખુલાસો થયો છે.
એડીઆરના રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની સીટો માટે લડતા ઉમેદવારોમાંથી 163 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમાંથી 92 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ દાખલ છે. એક તરફ ચોખ્ખી રાજનીતિની વાત કરવામાં આવે છે બીજી તરફ તમામ પક્ષો ગુનેગાર ઉમેદવારોને ટિકિટ આપે છે.
પાર્ટી મુજબ વાત કરીએ તો, બીજા તબક્કાની સીટો માટેના ઉમેદવારોમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીના 29 ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ છે. આમ આદમી પાર્ટીના 93માંથી 29 ઉમેદવારો સામે કેસ છે.
આ સિવાય અન્ય પક્ષોની વાત કરીએ તો, ગુજરાતમાં કોંગ્રેસના 90 માંથી 39 ઉમેદવારો સામે કેસ છે. તે ઉપરાંત સત્તાધારી બીજેપીના 93 માંથી 18 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ સિવાય બીટીપીના પણ 12માંથી 4 ઉમેદવારો સામે ગુના દાખલ છે.