શંકર ચૌધરી ત્રીજી ટર્મ માટે બનાસ ડેરીના ચેરમેન તરીકે ચૂંટાયા
ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત બનાસ ડેરીના સુકાન પર શંકર ચૌધરીએ સતત ત્રીજી વખત કમાન સંભાળી છે. ડેરીના ચેરમેન પદ માટે તેમની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
તાજેતરમાં બનાસ ડેરીના નિયામક મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં સર્વસંમતિથી શંકર ચૌધરીને બનાસ ડેરીના ચેરમેન તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાવાભાઈ રબારીની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.

શંકર ચૌધરી માટે આ ત્રીજી ટર્મ છે. અગાઉ 2015 અને 2020માં ચેરમેન બન્યા બાદ, હવે તેઓ 2025ની મુદત માટે પણ બિનહરીફ ચૂંટાયા છે. તેમની આ સતત ત્રીજી બિનહરીફ વરણી ડેરીના વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાન અને ડિરેક્ટરો તેમજ પશુપાલકોમાં તેમની વ્યાપક લોકપ્રિયતા દર્શાવે છે.
નોંધનીય છે કે, બનાસ ડેરીના નિયામક મંડળની તાજેતરની ચૂંટણીમાં પણ બિનહરીફ વરણીનો દબદબો રહ્યો હતો. કુલ 16 ડિરેક્ટર બેઠકોમાંથી 15 બેઠકો પર ડિરેક્ટરોની બિનહરીફ વરણી થઈ હતી. ડિરેક્ટરોની આ બેઠક ચેરમેન પદની પસંદગી પહેલા યોજાઈ હતી.
બનાસ ડેરીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. હવે ત્રીજી ટર્મમાં પણ બનાસ ડેરીના વિકાસની ગતિ વધુ વેગવંતી બનશે તેવી અપેક્ષા પશુપાલકો અને સહકારી ક્ષેત્રમાં રાખવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
