સોમનાથનો અમર ઈતિહાસ: ભદ્રકાળી મંદિરના આ શિલાલેખમાં છુપાયેલું છે કુમારપાળના શાસનનું રહસ્ય
પ્રભાસ પાટણ: ગુજરાતની પવિત્ર ગણાતી પ્રભાસ પાટણની ધરતી માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતના સુવર્ણ ઈતિહાસની સાક્ષી પણ છે. સોમનાથ મહાદેવના મંદિર પર અનેક આક્રમણો થયા, પરંતુ દર વખતે આ મંદિર વધુ ભવ્યતા સાથે બેઠું થયું. આ કાલજયી ઈતિહાસના પુરાવા આજે પણ પ્રભાસ પાટણના શિલાલેખો અને અવશેષોમાં જીવંત છે. આવો જ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક શિલાલેખ ભદ્રકાળી મંદિરના ફળિયામાં આજે પણ સુરક્ષિત છે.

સોમપુરા બ્રાહ્મણના આંગણે સચવાયેલો વારસો
પ્રભાસ પાટણ મ્યુઝિયમની નજીક જુના રામ મંદિર પાસે આવેલા ભદ્રકાળી ફળિયામાં એક પ્રાચીન શિલાલેખ આવેલો છે. સોમપુરા બ્રાહ્મણ દીપકભાઈ દવેના નિવાસસ્થાને સ્થિત પૌરાણિક ભદ્રકાળી મંદિરની દિવાલ પર આ શિલાલેખ જડાયેલો છે. રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત આ લેખ ઈ.સ. 1169 (વિક્રમ સંવત 1255) ના સમયનો છે.
શું છે આ શિલાલેખની વિશેષતા?
પ્રભાસ પાટણ મ્યુઝિયમના ક્યુરેટર તેજલ પરમારના જણાવ્યા અનુસાર, આ અભિલેખ અણહિલવાડ પાટણના પ્રતાપી રાજા કુમારપાળના ધર્મગુરુ ભાવબૃહસ્પતિનો પ્રશસ્તિ લેખ છે. આ શિલાલેખમાં સોમનાથ મંદિરના પુનરુત્થાનની ગાથા અને ચારેય યુગના નિર્માણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
- સત્ય યુગ: ચંદ્રદેવ (સોમ) દ્વારા સુવર્ણનું મંદિર.
- ત્રેતા યુગ: રાવણ દ્વારા રજત (ચાંદી)નું મંદિર.
- દ્વાપર યુગ: ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કાષ્ટ (લાકડા)નું મંદિર.
- કળિયુગ: રાજા ભીમદેવ સોલંકી દ્વારા પાષાણ (પથ્થર)નું કલાત્મક મંદિર.
સોલંકી કાળ: ગુજરાતનો સુવર્ણ યુગ
ઇતિહાસ મુજબ, ભીમદેવ સોલંકીએ ચોથું મંદિર બંધાવ્યા બાદ, ઈ.સ. 1169 માં રાજા કુમારપાળે પાંચમી વખત ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સોલંકી શાસન દરમિયાન પ્રભાસ પાટણ માત્ર ભક્તિનું જ નહીં, પરંતુ સ્થાપત્ય અને સાહિત્યનું પણ વૈશ્વિક કેન્દ્ર બન્યું હતું. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા શાસકોની ધર્મનિષ્ઠાને કારણે જ સોમનાથનું શિખર આજે પણ ગૌરવભેર આકાશને આંબી રહ્યું છે.
આવનારી પેઢી માટે પ્રેરણા
આજે જ્યારે આપણે સોમનાથના દર્શને જઈએ છીએ, ત્યારે મ્યુઝિયમમાં સચવાયેલા આ અવશેષો અને ગલીઓમાં રહેલા શિલાલેખો આપણને યાદ અપાવે છે કે સમય ગમે તેટલો બળવાન હોય, પણ ભારતીય સંસ્કૃતિ અને ભક્તિના શિખરો હંમેશા અજેય રહે છે. ભદ્રકાળી ફળિયાનો આ લેખ ગુજરાતના 'સુવર્ણકાળ'ની જીવંત પ્રતીતિ કરાવે છે.












Click it and Unblock the Notifications
