For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદારે બેસતાં વર્ષે કરી હતી સોમનાથ જીર્ણોદ્ધારની પ્રતિજ્ઞા

|
Google Oneindia Gujarati News

‘દરિયાના પાણી હથેળીમાં લઈ અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવીશું.' લોખંડી પરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની આઝાદી બાદ પહેલી વાર ગુજરાતમાં ઉજવવામાં આલે બેસતા વર્ષના દિવસે પોતાના સાથીઓ સાથે મળી આ પ્રતિજ્ઞા કરી હતી.

ભારતને 15મી ઑગસ્ટ, 1947ના રોજ આઝાદી મળી. સ્વતંત્રતા મળ્યાં બાદ એટલે કે 1947ના વર્ષમાં ગુજરાતમાં વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ 13મી નવેમ્બરના રોજ હતું. સરદાર પટેલ બેસતાં વર્ષના દિવસે ગુજરાતમાં હતાં. તેમણે બેસતાં વર્ષની સવારે સોમનાથમાં દરિયાના પાણી અંજલિમાં લઈ આ પ્રતિજ્ઞા કરી હતી. મહાન ગુજરાતનાં સ્વપ્નદૃષ્ટા તેમજ જય સોમનાથના લેખક અને જાણીતા ધારાશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુંશી તથા તે વખતના નવાનગરના જામસાહેબ દિગ્વિજય સિંહ પણ સરદાર પટેલ સાથે પ્રતિજ્ઞા લેનારાઓમાં શામેલ હતાં.

અનેક હુમલાખોરો અને ધર્માંધ લોકોનો ભોગ બની ચુકેલ સોમનાથ મંદિરની દુર્દશા જોઈ સરદાર પટેલનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે સોમનાથના ભવ્ય ભૂતકાળના ભગ્નાવશેષો જોયાં. સ્વતંત્રતા બાદ કારતક સુદ એકમના દિવસે કે જ્યારે સમગ્ર ગુજરાત બેસતું વર્ષ ઉજવે છે. તે દિવસે સરદાર પટેલ કનૈયાલાલ મુંશી અને દિગ્વિજય સિંહ સાથે સોમનાથના દરિયા કાંઠે રેતી ઉપર ચાલતા હતાં. મુંશી અને દિગ્વિજય સિંહ ઘણી વાર સુધી મૌન રહ્યાં.

Somnath Temple, Symbol, Sardar Solid Pledge

અચાનક મુંશીએ મૌન તોડ્યું અને જણાવ્યું, ‘ભારત સરકારે આ મંદિરનું પુનર્નિર્માણ કરાવવું જોઇએ.' મુંશીનું આ કથન સરદાર પટેલને ગમી ગયું. તેમણે સોમનાથને પ્રણામ કર્યું અને દરિયા કાંઠાથી પાણી અંજલિમાં લીધાં અને સાથીઓ સાથે સોમનાથના જીર્ણોદ્ધારનો સંકલ્પ વ્યક્ત કર્યો. સરદારની આ જાહેરાતે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હર્ષની લહેર દોડાવી ગઈ. દાનદાતાઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. જામસાહેબે એક લાખ રુપિયા, જૂનાગઢના વહિવટદાર શામળદાસ ગાંધીએ 51 હજાર રુપિયા અને અન્ય ધનપતિઓએ પણ નાણાંનો પ્રવાહ વહેડાવી દીધો. આ પછી સોમનાથ મંદિર ટ્રસ્ટની રચના થઈ.

લગભગ ત્રણ વર્ષ બાદ એટલે કે 19મી એપ્રિલ, 1950ના રોજ તે વખતના સૌરાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરે મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટે ભૂમિ ઉત્ખનન વિધિ કરી. 8મી મેના રોજ દિગ્વિજય સિંહે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. એક વરસ બાદ એટલે કે 11મી મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દરિયામાં સ્નાન કરી સવારે સાડા નૌ વાગ્યે હોરા નક્ષત્રમાં મંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરી.

ત્યારબાદ 13મી મે, 1965ના રોજ દિગ્વિજય સિંહે ગર્ભગૃહ તથા સભામંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા કરાવી તથા શિખર ઉપર ધ્વજારોહણ કર્યું. દરમિયાન જામસાહેબ દિગ્વિજય સિંહનું નિધન થઈ ગયું. 28મી નવેમ્બર, 1966ના રોજ સ્વર્ગીય દિગ્વિજય સિંહના પત્ની ગુલાબ કુંવરબા દ્વારા તૈયાર કરાવવામાં આવનાર દિગ્વિજય દ્વારનું ખાતમુહૂર્ત કરાયું. 4થી એપ્રિલ, 1970ના રોજ મૂકસેવક રવિશંકર મહારાજે સોમનાથ મંદિર સંકુલમાં સરદાર પટેલની પૂરા કદની પ્રતિમાનું અનાવરણ કર્યું.

આ ક્રમમાં 19મી મે, 1970ના રોજ સત્ય સાઈંબાબાએ દિગ્વિજય દ્વારનું ઉદ્ઘાટન કર્યું. 1લી ડિસેમ્બર, 1995ના રોજ તે વખતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ નૃત્યમંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા કરી નવનિર્મિત મંદિર રાષ્ટ્રને સમર્પિત કર્યું. મંદિર નિર્માણાના સરદાર પટેલના દૃઢ સંકલ્પને સાકાર કરવામાં કાકાસાહેબ ગાડગિલ, દત્તાત્રેય વામન, ખંડુભાઈ દેસાઈ, બૃજમોહન બિરલા, દયાશંકર દવે, જયસુખલાલ હાથી, ચિતરંજન રાજા, મોરારજીભાઈ દેસાઈ જેવા અનેક લોકોએ સહકાર આપ્યો.

સોમનાથ મંદિર આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ સંકલ્પનું પ્રતીક બની રહ્યું છે. કદાચ એટલે જ ગુજરાતના પ્રસિદ્ધ કવિ નર્મદે પણ પોતાના કાવ્યમાં સોમનાથને પશ્ચિમ ગુજરાતના પ્રહેરી તરીકે વર્ણવ્યો છે.

English summary
Somnath Temple is symbol of Sardar Patel's solid pledge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X