For Quick Alerts
For Daily Alerts
બુધવારે સોનિયા ગાંધી રાજકોટમાં જનમેદનીને સંબોધશે
અમદાવાદ, 2 ઑક્ટોબર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે આવતીકાલે 3જી ઑક્ટોબરને બુધવારના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન ખાતે તેમની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સોનિયા ગાંધી પોરબંદરની પણ મુલાકાતે પધારવાના હતાં. પરંતુ 2જી ઑકટોબરના રોજ રાજઘાટ ઉપર આવેલી મહાત્મા ગાંધીની સમાધી ઉપર યોજાતા રાષ્ટ્રીય કાર્યક્રમમાં તેમની હાજરી જરૂરી હોવાથી પોરબંદરની મુલાકાત રરદ્દ કરાઇ છે.
સોનિયા ગાંધીની રાજકોટ મુલાકાત અંગે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંઘી સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ અને લોકોની મુલાકાત માટે આવી રહ્યા છે. રેસકોર્ષ ખાતેની તેમની જનસભાને ઐતિહાસિક બની રહેશે. આ સભામાં ખેડૂતો, બૌધ્ધિકો, શ્રમિકો, યુવાનો વિગેરે જોડાશે. આ સભા રાજકિય કે, ચૂંટણી પ્રચારની નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જનતાને મળવા આવી રહ્યા છે.
ગુજરાતમાં સોનિયા ગાંધીનો ચૂંટણીલક્ષી આ પ્રથમ પ્રવાસ છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો સોનિયા અહીં જવાબ આપે તેવી પુરેપુરી શક્યતા છે.
સોનિયા ગાંધી રાજકોટમાં સભા બાદ રામકૃષ્ણ આશ્રમ, કબા ગાંધીનો ડેલો તેમજ બાલભવનની મુલાકાત લેશે. રામકૃષ્ણ આશ્રમ અને કબા ગાંધીનાં ડેલાની તેમની મુલાકાત ટૂંકી હશે. બાલ ભવન ખાતે તેઓ બાળકોનો મળે તેવી શકયતા છે.