સ્વામિત્વ યોજનામાં ગ્રામીણ મિલકત ધારકોને હવે મફત સનદ મળશે
ગુજરાત સરકારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મિલકત ધારકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સ્વામિત્વ યોજના અંતર્ગત મિલકત ધારકોને તેમની રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી સનદ વિનામૂલ્યે આપવામાં આવશે.
અગાઉ આ સનદ મેળવવા માટે 200ની ફી ચૂકવવી પડતી હતી, જે હવે સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. આ નિર્ણયથી આશરે 25 લાખ લોકોને સીધો લાભ થશે અને તેમને નાણાકીય બોજમાંથી મુક્તિ મળશે.

સરકારે ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો પર સનદ મેળવવા માટે પડતા નાણાકીય ભારણને દૂર કરવાના હેતુથી આ પગલું ભર્યું છે. જમીન મહેસૂલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ લેવાતી 200ની સર્વે ફી હવે ગ્રામીણ મિલકત ધારકોને નહીં ચૂકવવી પડે.
રાજ્ય સરકાર આશરે 25 લાખ સનદના વિતરણ માટે અંદાજે 50 કરોડનો ખર્ચ ઉઠાવશે. આ નિર્ણય નાના, ગરીબ અને મધ્યમ વર્ગીય ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતના કાયદેસરના હક્કો મેળવવામાં સરળતા પ્રદાન કરશે.
ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા સ્વામિત્વ (Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાનો છે.
ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારોના આબાદી (વસ્તીવાળા) વિસ્તારની મિલકતોનો સર્વે કરવામાં આવે છે. આ સર્વેના આધારે તૈયાર થતા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને પહેલાથી જ વિનામૂલ્યે આપવામાં આવે છે.
હવે આ કાર્ડની સાથે રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી સનદ પણ મફત મળશે, જે ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર પ્રદાન કરશે અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવશે.












Click it and Unblock the Notifications
