Tarnetar no melo 2025 : તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળાની શરૂઆત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Tarnetar no melo 2025 : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આવતીકાલથી ભક્તિ અને ઉલ્લાસના વાતાવરણમાં શરૂ થઈ રહ્યો છે.
ભાદરવા સુદ ચોથથી છઠ સુધી ચાલનારો આ મેળો ૨૬ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરશે.

મુખ્ય આકર્ષણો
- પશુ પ્રદર્શન અને હરીફાઈ : આ મેળામાં પશુ પ્રદર્શન અને વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગ્રામીણ જીવનની ઝલક રજૂ કરશે.
- ગ્રામીણ ઓલિમ્પિક : ૨૦મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં રમતવીરો તેમની શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.
- સાંસ્કૃતિક કાર્યક્રમો : મેળામાં લોકનૃત્ય, સંતવાણી, લોકડાયરા, રાસ-ગરબા, અને હુડા જેવા પરંપરાગત કાર્યક્રમો યોજાશે, જે મેળાની રંગત વધારશે.
- છત્રી હરીફાઈ : તરણેતરના મેળાની ઓળખ સમાન છત્રી હરીફાઈ અને વેશભૂષા હરીફાઈ પણ યોજાશે.
મહત્વના કાર્યક્રમો
૨૬ ઓગસ્ટ (કેવડા ત્રીજ)
- સવારે ૯:૩૦ કલાકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અને જલાભિષેક થશે.
- સાંજે ૯:૩૦ કલાકે વિવિધ રાવટીના ભક્તજનો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
૨૭ ઓગસ્ટ (ગણેશ ચતુર્થી)
- સાંજે ૫:૩૦ કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પૂ. શ્રી નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે.
- રાત્રે ૯:૦૦ કલાકે લોકકલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે.
૨૮ ઓગસ્ટ (ઋષિ પંચમી)
- સવારે ૬:૩૦ કલાકે મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી યોજાશે.
- સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
૨૯ ઓગસ્ટ (છઠ)
- સવારે ૭:૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે.
- બપોરે ૧૨:૦૦ કલાકે ધ્વજારોહણ બાદ મેળાની પૂર્ણાહુતિ થશે.
આ ઉપરાંત મેળા દરમિયાન ગુજરાતના પ્રવાસન નિગમ દ્વારા તોરણ ટુરિસ્ટ વિલેજ અને વિવિધ હરીફાઈઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતાઓને ઈનામો અપાશે. આ મેળો પાંચાળની પુરાતન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.












Click it and Unblock the Notifications
