રખડતાં ઢોર મુદ્દે સરકારની મોટી જાહેરાત, હવે આખલાઓના ખસીકરણ માટે ઝુંબેશ શરૂ કરાશે
ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે.
ગાંધીનગર : રાજ્યના નાગરિકોને રખડતાં ઢોરના ત્રાસથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

રાજય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે. આ સિવાય ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
અહીં તેમણે આગળ જણાવ્યુ કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.
ઋષિકેશ પટેલે કહ્યું કે, આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
