આયુષ્માન કાર્ડ અંતર્ગત હવે 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત થશે, 11 જૂલાઈથી લિમિટ ડબલ કરાઈ
PMJAY-મા યોજના અંતર્ગત આરોગ્ય વીમા સુરક્ષાની રકમ વધારીને 10 લાખ કરવામાં આવી છે. 11 જૂલાઈથી આ વધારો અમલમાં આવશે. જણાવી દઈએ કે, આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ પહેલા 5 લાખ હતી અને 10 લાખ કરાઈ છે
આ મુદ્દે માહિતી આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ 2018થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ 1.78 કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.

તેમણે જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં 2045 સરકારી અને 795 ખાનગી મળી કુલ 2840 જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે.
રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.
તેમણે માહિતી આપતા જણાવ્યુ કે, આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાતમાં અંદાજીત 39 લાખ જેટલા ક્લેમ્સ આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ 8,081 કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.
નોંધનીય છે કે, પ્રવર્તમાન વર્ષમાં 2800 કરોડની રકમના ક્લેમની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજીત 3500 કરોડ રકમના ક્લેમની નોંધણી થવાનો અંદાજ છે.












Click it and Unblock the Notifications
