લમ્પી વાયરસને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, ડેરીઓના ચેરમન અને અધ્યક્ષો સાથે બેઠક કરી!
રાજ્યમાં ફેલાઈ રહેલા લમ્પી વાયરસને લઈને સરકાર એક્શનમાં આવી છે.
ગાંધીનગર : રાજ્યમાં ફેલાઈ રહેલા લમ્પી વાયરસને લઈને સરકાર એક્શનમાં આવી છે. રાજ્યમાં પશુધનમાં ફેલાઇ રહેલા લમ્પી સ્કીન ડિસીઝ સામે સઘન પશુ રસીકરણ, સારવાર અને રોગ નિયંત્રણ માટેના રાજ્ય સરકારના રક્ષણાત્મક ઉપાયોમાં રાજ્યના સહકારી દૂધ ઉત્પાદન સંઘો, ડેરીઓના ચેરમેન અને અધ્યક્ષોનું યોગદાન મળી રહે તે હેતુસર એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતું.

આ બેઠકમાં સરકારે સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રના ગુજરાતના અગ્રણીઓને અનુરોધ કર્યો કે તેમના સંઘો અને ડેરીઓ સભાસદ પશુપાલકો સહિત તેમના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતા ગામોના પશુધનને આ લમ્પી સ્કીન ડિસીઝથી રક્ષણ આપવા માટેની વેક્સિન, રસીકરણની કામગીરીમાં રાજ્ય સરકારને સક્રિય સહયોગ આપીને આ રોગને વ્યાપક રસીકરણથી તંદુરસ્ત પશુઓમાં ફેલાતો ત્વરાએ અટકાવી શકે તેમ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યના પશુપાલન વિભાગે આ રોગચાળા સામે તંદુરસ્ત પશુઓને રક્ષણ આપવા વિનામૂલ્યે રસીકરણ મિશન મોડમાં ઉપાડયું છે.
અત્યારસુધીમાં રાજ્યના અસરગ્રસ્ત ૧પ જિલ્લાઓના ૧રરર ગામોમાં લમ્પી સ્કીન ડિસીઝ અસરગ્રસ્ત ૪૩ હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે. એટલું જ નહિ, નિરોગી પશુધનમાં રોગચાળો ફેલાય નહિ તે માટે ૩ લાખ ૩૦ હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવેલું છે.
રાજ્યમાં જે ૧૫ જિલ્લાઓના પશુધનમાં લમ્પી સ્કીન ડિસીઝનો રોગચાળો જોવા મળેલો છે તે અસરગ્રસ્ત જિલ્લાઓ પૈકી સુરત સિવાયના અન્ય ૧૪ જિલ્લાઓમાં અને જિલ્લા બહાર પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલું છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ તેમના વિસ્તારના પશુધનમાં રોગ ન ફેલાય તે માટે વિનામૂલ્યે પશુ રસીકરણ માટે પશુપાલકોમાં પ્રચાર-પ્રસારના કાર્યક્રમો, જાહેરાતો વગેરેથી મોટા પ્રમાણના પશુપાલકોને જાગૃત કરે તે આવશ્યક છે. મુખ્યમંત્રીએ આ અગ્રણીઓને વધુ વિગતો આપતા એમ પણ જણાવ્યું કે રાજ્યના પશુધનમાં આ રોગચાળો ફેલાતો અટકાવવા ઇતરડી, બગાઇ, માખી, ચાંચડ, મચ્છર જેવા રોગના વાહકોનું નિયંત્રણ તેમજ પશુઓના સંપર્કમાં આવનાર વાહનોની સફાઇ અને ડિસઇન્ફેકશન તથા જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરવામાં આવી છે .
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કૃષિ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, પશુપાલન રાજ્ય મંત્રી દેવા માલમ તેમજ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન સંલગ્ન ડેરીઓ, બનાસ ડેરી, અમૂલ ડેરી, સાબર ડેરી, સૂમૂલ ડેરી તથા અસરગ્રસ્ત જિલ્લાના દૂધ સહકારી સંઘોના અધ્યક્ષ જોડાયા હતા.












Click it and Unblock the Notifications
