ઝાયડસ કેડિલા કોરોના વેક્સિનની કિંમત નક્કી, 265 રૂપિયામાં એક ડોઝ લાગશે!
અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાની કોરોના રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. તેનો એક ડોઝ 265 રૂપિયામાં મળશે. આ સોય વિનાની રસી છે અને તેને 'ફાર્મા જેટ' નામના ખાસ પ્રકારના એપ્લીકેટરની જરૂર પડશે, જેની કિંમત 93 રૂપિયા હશે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી.
કંપનીએ કહ્યું છે કે એપ્લીકેટર સહિત ત્રણ ડોઝની રસીની કિંમત 1,074 હશે. સરકારે કંપનીને એક કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત વયના લોકોને આપવામાં આવશે. દેશમાં 12 થી 18 વર્ષની વયના બાળકો માટે આ પ્રથમ એન્ટિ-કોરોના વાયરસ રસી છે. ભારતના ડ્રગ રેગ્યુલેટરે ઓગસ્ટમાં તેના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી.
શેરબજારને આપેલી માહિતીમાં ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે આ એક સોય વિનાની રસી છે, એટલે કે અત્યાર સુધી આપવામાં આવતી રસીની જેમ તેને આપવા માટે સોયની જરૂર પડશે નહીં. આ સાથે જે લોકો સોયથી ડરતા હોય છે તેઓ પણ તેને કોઈપણ ડર વગર સરળતાથી લગાવી શકે છે. પટેલે બજારમાં તેના આગમન સાથે રસીકરણની ગતિ ઝડપી થવાની આશા વ્યક્ત કરી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની સ્વદેશી કોવેક્સિનનો ઉપયોગ હાલમાં દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે. આ બંને બે ડોઝની રસી છે અને ઝાયડસ રસીની સરખામણીમાં તેની કિંમત પણ ઓછી છે. સ્પુટનિક V નો ઉપયોગ પણ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ તેનો ઉપયોગ હજુ થઈ રહ્યો નથી.
સૂત્રોએ કહ્યું કે, મર્યાદિત ઉત્પાદન ક્ષમતાને કારણે શરૂઆતમાં આ રસી માત્ર પુખ્ત વયના લોકોને જ આપવામાં આવે તેવી શક્યતા છે. કંપનીના અધિકારીઓએ મંત્રાલયને જણાવ્યું કે Zydus Cadila દર મહિને Zycov-Dના 10 મિલિયન ડોઝ આપવાની સ્થિતિમાં છે. તેના ત્રણ ડોઝ 28 દિવસના અંતરાલથી આપવાના રહે છે. દેશમાં વિકસિત આ વિશ્વની પ્રથમ રસી છે જે ડીએનએ આધારિત અને સોય વિનાની છે. 20 ઓગસ્ટના રોજ Zycov-D ને કટોકટીના ઉપયોગ માટે ડ્રગ રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળી હતી. ઉલ્લેખનિય છે કે હજુ સુધી ભારતમાં 18 વર્ષથી નીચેના બાળકોને રસીઆપવામાં આવી નથી. હવે આ રસીને મંજુરી મળતા તેમને રસી આપવામાં આવશે.