સોમનાથ બીચ ખાતે બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ, ફોટોમાં જુઓ અદભુત રેતશિલ્પો
ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા સોમનાથ બીચ ખાતે બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે. અહીં મહાશિવરાત્રીની અને G20 ની થીમ પર રેતશિલ્પો બનાવાયા છે.
ગીર સોમનાથ : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો સોમનાથ બીચ ખાતે પ્રારંભ થયો છે. વેરાવળ પાટણ નગર પાલીકાના ઉપપ્રમુખ કપિલ મહેતાએ આજે આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી બે દિવસ સ્થાનિકો અને પ્રવાસીઓ રેતશિલ્પોની કલાત્મક કૃતિઓ નિહાળી શકશે.

સોમનાખ મહાદેવના સાનિધ્યમાં રેતશિલ્પ મહોત્સવ
આ રેતશિલ્પ મહોત્સવની મુખ્ય થીમ મહાશિવરાત્રી છે. રેતશિલ્પકાર નથુભાઈ ગળચર દ્વારા મહાશિવપુરાણમાં ભગવાન શિવ પારધીને પ્રસન્ન થયા તે મહત્વનું નિદર્શન કરતુ શિલ્પ કંડારવામાં આવ્યુ છે. આ આગવી ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવે છે.

ભગવાન શિવજી અને જી-૨૦ને લગતા વિવિધ શિલ્પ
અન્ય રેતશિલ્પકારોએ અદભુત કળાથી ભગવાન શિવજી અને જી-૨૦ને લગતા વિવિધ પ્રકારના શિલ્પ બનાવીને પોતાની આગવી કળા પ્રદર્શિત કરી હતી તથા શિવજીના જુદા જુદા રુપો રેતશિલ્પમાં મૂર્તિમંત કર્યા હતા. આ રેતશિલ્પ મહોત્સવમાં ૨૦ થી ૨૫ કલાકારોએ ભાગ લીધો છે.

રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજન
આ પ્રસંગે લલિત કલા અકાદમીના સચિવ તેજાભાઈ દેસાઈ જણાવ્યું કે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતશિલ્પ કલાકારોને સંસ્કૃતિની આગવી ઓળખ ઉજાગર કરવાની તક મળે તેમજ પ્રવાસન સ્થળ સોમનાથ ખાતે શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવા આવતા ભક્તજનો અને પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિ તથા રેતશિલ્પ કલા વિશે વધુ જાણકારી મળે તેમજ રેત શિલ્પ કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે
હાલ અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓ રેતશિલ્પો નિહાળવા પહોંચી હતી. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથની મુલાકાતે બહોળી સંખ્યામાં આવેલ પ્રવાસીઓએ પણ આ મહોત્સવને મન ભરી માણ્યો હતો.












Click it and Unblock the Notifications
