દ્વારકાધીશ મંદિર પર વીજળી પડ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલેક્ટર સાથે કરી વાત
દ્વારકા મંદિર પર વીજળી પડ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કલેક્ટર અને મંદિર તંત્ર સાથે વાત કરીને સમગ્ર માહિતી મેળવી હતી.
ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશના મંદિર પર વીજળી પડી હોવાના દ્રશ્યો ગઈ કાલે સામે આવ્યા હતા. વીજળી પડવાના કારણે મંદિરના દંડ નુકશાન થયુ હતુ. આ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કલેક્ટર અને મંદિર તંત્ર સાથે વાત કરીને સમગ્ર માહિતી મેળવી હતી. અમિત શાહના ગાંધીનગર સ્થિત કાર્યાલયમાં જાહેર કરાયેલ અધિકૃત સૂચના મુજબ મંદિરના સ્ટ્ર્ક્ચરને કોઈ નુકશાન થયુ નથી.

ધ્વજા પર વીજળી પડતો વીડિયો વાયરલ થતા લોકો માની રહ્યા છે કે ભગવાન દ્વારકાધીશે દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી. સ્વાભાવિક છે કે આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોત તો સંભવિત જાનહાનિ થઈ શકી હોત. બપોરના સમયે જગત મંદિરની ટોચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી જેના કારણે ધ્વજાના દંડને સામાન્ય નુકશાન થયુ છે. જગત મંદિરને કોઈ નુકશાન થયુ નથી.
ઉલ્લેખનીય છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયામાં અઢી ઈંચ, જામજોધપુરમાં અડધો ઈંચ, સોમનાથમાં 6 ઈંચ અને માંગરોળ-દ્વારકામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વળી, કલ્યાણપુર અને હર્ષદ પંથકમાં બે કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં કોલેજ બિલ્ડિંગ પર વીજળી પડતા બે વ્યક્તિને ઈજા થઈ હતી. કલ્યાણપુરમાં 3 ઈંચ મેઘ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.












Click it and Unblock the Notifications
