છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136 તાલુકાઓમાં કમોસમી વરસાદ, ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 136 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં ડીસામાં માત્ર બે કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધી પડેલા આ વરસાદને કારણે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત સૂત્રાપાડા, પાટણ વેરાવળ, તાલાલા, બાવળા અને રાધનપુરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 14 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે 40 તાલુકાઓમાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો. બાકીના અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.

એક તરફ આંધ્રપ્રદેશના કાકીનાડા કિનારા નજીક મોંથા નામનું પ્રચંડ વાવાઝોડું 110 કિલોમીટર પ્રતિ કલાકની વિનાશક ઝડપે ધસી રહ્યું છે. બીજી તરફ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન ગુજરાતમાં કમોસમી વરસાદ લાવી ખેડૂતો માટે મુશ્કેલીઓ સર્જી રહ્યું છે, તે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
આ ડિપ્રેશન સાથે રાજસ્થાન પર એક ચક્રવાત સર્ક્યુલેશન (Cyclonic Circulation) પણ સક્રિય થયું છે. જેના કારણે અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી, મધ્ય ગુજરાત થઈને સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ ભારે વરસાદ લાવે તેવું ટ્રફ સર્જાયું છે.
હવામાન વિભાગે આજે બુધવારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લાઓ તેમજ દીવ-દમણમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
અરબી સમુદ્રના ડિપ્રેશન અને આંધ્રપ્રદેશ પર ત્રાટકનાર મોંથા વાવાઝોડા વચ્ચે બહુ તફાવત નથી. ડિપ્રેશન એ એક વરસાદી સિસ્ટમ છે જે ઓછા દબાણવાળા ક્ષેત્રમાંથી ઉદ્ભવે છે, જેમાં ગોળ ગોળ ફરતા પવનની ગતિ 63 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી હોય છે. જો આ ગતિ વધે તો તેને વાવાઝોડા (Cyclonic Storm) તરીકે ઓળખવામાં આવે છે. જો વાવાઝોડાની ચક્રાકાર ગતિ 118 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ પહોંચે તો તે સુપર સાયક્લોન બને છે.












Click it and Unblock the Notifications
