Vadnagar airport : ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર, આ બે જગ્યાઓએ એરપોર્ટની કામગીરી શરૂ કરાઈ
Vadnagar airport : ઉત્તર ગુજરાતના લોકો માટે રાજ્ય સરકાર તરફથી સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતમાં એરપોર્ટ બનાવવા માટે તૈયારી શરૂ કરી છે.
ગુજરાત વિધાનસભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ જાણકારી આપી. સરકારે જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતમાં નવુ એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારે સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ નિર્માણ માટે અનુકૂળ જમીન શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે. જમીન મળ્યા બાદ એરપોર્ટના નિર્માણની કામગીરી ઝડપી ધોરણે શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારે 2023માં સિદ્ધપુર તાલુકાના દેથળી ગામમાં સરકારી જમીન પર સિવિલ એવિએશન વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પ્રિ-ફિઝિબિલિટી સર્વે કર્યો હતો.
આ સર્વે અંતર્ગત જમીનની ક્ષમતા અને ઉપલબ્ધતાની તપાસ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે વિમાની મથકોના વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) સાથે MoU હસ્તાક્ષર કર્યા છે.
આ MoU અનુસાર, રાજ્ય સરકાર એરપોર્ટના વિકાસ માટે જરૂરી ભૂમિ, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ પૂરી પાડશે. ઓર્થોરિટી ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ વિકાસ તથા વિસ્તરણ માટે જવાબદાર રહેશે. આ ઉપરાંત એરપોર્ટના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી AAI દ્વારા સંચાલિત થશે.
એરપોર્ટ વિકાસ માટે AAIના ચેરમેનની અધ્યક્ષતામાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. હાલ નર્મદા જિલ્લાના તિલકવાડા, સિદ્ધપુર અને વડનગર ખાતે પ્રિ-ફિઝિબિલિટી કાર્ય ચાલી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ એરપોર્ટ માટે આગામી કામગીરી શરૂ થશે.












Click it and Unblock the Notifications
