વડતાલ સેક્સ સીડી કાંડ, 11 વર્ષે અજેન્દ્ર પ્રસાદની શરણાગતિ
વડતાલના સીડી કાંડમાં 11 વર્ષ પછી અંતે અજેન્દ્રપ્રસાદ પાંડેએ આજે સવારે નડિયાદ કોર્ટ સામે શરણાગતિ સ્વીકારી છે. સવારે 10.30 વાગ્યે નડિયાદ કોર્ટમાં અજેન્દ્ર પ્રસાદ હાજર રહ્યા હતા. અજેન્દ્રપ્રસાદે સોમવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તે બુધવારે નડિયાદમાં ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં શરણાગતિ સ્વીકારશે.
આ સમગ્ર ઘટનાના મૂળ 2005માં રહેલા છે. જેમાં વડતાલના અજેન્દ્રપ્રસાદના વિરોધી નૌતમ સ્વામી જૂથના સાધુઓને રૂપલલનાઓ સાથે સેક્સ માણતા દર્શાવતી આ સીડી ફરતી થતાં ખળભળાટ મચ્યો હતો. પાંડેએ જ આ વેશ્યાઓને પૈસા આપ્યા હતા અને તેમને હરીફ જૂથના સાધુઓ પાસે મોકલી હતી તેવા આક્ષેપ થયા હતા.

સેક્સ સીડી કાંડ મુદ્દે 2005માં જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નૌતમ સ્વામી જૂથે પાંડે સામે સેક્સ સીડી ફરતી કરીને અનૈતિક પ્રવૃત્તિ, લોકોમાં ધિક્કારની લાગણી ફેલાવી તથા ઈરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપો કર્યા હતા.
અને સીડી કાંડના પગલે નૌતમ સ્વામી જૂથે વડતાલ સ્વામીનિરાયણ ટ્રસ્ટ બોર્ડમાંથી અજેન્દ્રપ્રસાદને દૂર કર્યા હતા. જોકે આચાર્ય અજેન્દ્રપ્રસાદે એમ કરવાનો નનૈયો ભણતા હાઈકોર્ટના હુકમ દ્વારા તેમને દૂર કરાયા હતા. આ મામલે ભારે કાનૂની લડત ચાલી હતી. અજેન્દ્રપ્રસાદની અરજી અંગે હાઈકોર્ટમાં હવે પછી 23 ઓગસ્ટે સુનાવણી થશે.












Click it and Unblock the Notifications
