Vav Bypoll Election: વાવ પેટાચૂંટણી પહેલાં ભાજપે બળવાખોરોને દેખાડ્યો બહારનો રસ્તો
Vav Bypoll Election: ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણી જીતી સાંસદ બનતાની સાથે જ ઉત્તર ગુજરાતની વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે જ વાવ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. ત્યારે વાવ બેઠક પર ચૂંટણી યોજાય તે પહેલાં ભાજપ એક્શનમાં આવ્યું છે. ભાજપે બળવાખોર નેતાઓને બહારનો રસ્તો દેખાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે એક પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ લોકોને સસ્પેન્ડ કર્યા છે. આ લોકોએ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું હતું. આ કારણે જ આ પાંચેય નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
નોંધનીય છે કે પૂર્વ ધારાસભ્ય માવજી પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેઓ વાવ પેઠક પર યોજાઈ રહેલ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. માવજી પટેલની સાથે જ અન્ય ચાર લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કહેવાઇ રહ્યું છે કે 73 વર્ષીય માવજી પટેલ ચૌધરી સમુદાયના મત મેળવી ભાજપને નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ્ય ધરાવતા હતા. માવજી પટેલની સાથે જ સસ્પેન્ડ થયેલા અન્ય નેતાઓમાં લાલજીભાઈ ચૌધરી, દેવજીભાઈ ચૌધરી, દલરામભાઈ પટેલ અને જામભાઈ પટેલ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત ચૂંટણી-એ-જંગમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ માવજી પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું હોવાથી હવે વાવ વિધાનસભા બેઠક પર ત્રિકોણીયો જંગ જામશે.
આવતી 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન થશે અને 23 નવેમ્બર 2024ના રોજ મતગણતરી કરવામાં આવશે. આ દિવસે જ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ જાહેર થશે. વાવ વિધાનસભા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 2017 અને 2022માં એમ સતત 2 ટર્મ માટે ગેનીબેન ઠાકોર આ બેઠક પર ચૂંટાયાં હતાં.












Click it and Unblock the Notifications
