Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઇ છે-પીએમ મોદી

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૨૦ વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદમાં આયોજિત સમિટ ઓફ સક્સેસને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બે દાયકા પહેલા વાવેલું નાનકડું બીજ આજે વિશાળ અને વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઇ છે. દરેક વખતે આ સમિટ સફળતાની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

PM Modi

વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો મંત્ર સમજાવતાં કહ્યું કે, આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટ વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સામેલ છે.

તેમણે કહ્યું કે, યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મુકવાનું એક માધ્યમ બની છે. દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે.

વડાપ્રધાને આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો અને દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાને સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું કે, સારા કાર્યને ઉપહાસ, વિરોધ અને ત્યાર પછી સ્વીકાર એમ ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરી ત્યારે કહેવાતું કે આ તો માત્ર બ્રાન્ડિંગ ઇવેન્ટ છે. પરંતુ દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ માટેની ઇવેન્ટ છે. ગુજરાતના સાત કરોડ નાગરિકના સામર્થ્ય અને સ્નેહથી પાછલા ૨૦ વર્ષમાં વાઇબ્રન્ટ સમિટની દરેક શૃંખલા સફળ બની રહી છે.

વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટની બે દાયકાની સફળતાનો ચિતાર આપતા કહ્યું કે, ૨૦૦૩માં અમુક સેંકડો પાર્ટીસિપન્ટસ આવ્યા હતા અને હવે ૪૦ હજારથી વધુ પાર્ટીસિપન્ટસ આ સમિટમાં જોડાય છે. ૨૦૦૩માં જૂજ દેશો ભાગીદાર બન્યા હતા જ્યારે હવે ૧૩૫થી વધુ દેશ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવે છે. ૨૦૦૩માં ૩૦ની આસપાસ એક્ઝિબિટર્સ જોડાયા હતા જ્યારે હવે ૨૦૦૦થી વધુ એક્ઝિબિટર્સ આ સમીટનો યોગ્ય મંચ તરીકે ઉપયોગ કરે છે.

ગુજરાતે અલગ-યુનિક રીતે વિચાર્યુ. વાઇબ્રન્ટ સમીટમાં કોઇ ડેવલપ્ડ નેશનને પાર્ટનર કન્ટ્રી બનાવવાનું જ્યારે કોઈએ વિચાર્યું ન હતું પણ ગુજરાતે કરી દેખાડ્યું. એ જ ઓફિસર્સ અને એ જ રિસોર્સ સાથે ગુજરાતે એવું કરી દેખાડ્યું જેનું કોઈએ વિચાર કર્યો ન હતો.

દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે, તેમના રાજ્યની ક્ષમતાઓનું નિદર્શન કરવા માટે આપણે આમંત્રિત કરતા હતા. દેશના જુદા જુદા સંગઠનો, જુદા જુદા ઔદ્યોગિક મેળાઓ વગેરેને જોડીને એનેક વર્ટિકલને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડતા ગયા, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ એક લાંબો સમય છે, આજની યુવા પેઢીને કદાચ ખબર રહી હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી! ૨૦૦૧ પહેલાંના વર્ષોમાં સતત પાણીનો દુકાળ અને ત્યારબાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી લાખો લોકોની બેહાલી અને તકલીફ ભર્યું જીવન હતું.

વડાપ્રધાને ઉમેર્યું કે, મુશ્કેલ પરિસ્થિતિ અહીં જ અટકી ન હતી, માધવપુરા મર્કેન્ટાઇલ બેંક બંધ થવાથી બીજી ૧૩૩ જેટલી સહકારી બેંકોને અસર થઇ હતી. એક રીતે ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર વ્યાપ્યો હતો.

તેમણે કહ્યું કે, આ વિકટ પરિસ્થિતિમાંથી ગુજરાત બહાર આવશે તેવો તેમને અતૂટ ભરોસો હતો. જે લોકો ગુજરાત વિરોધિ એજન્ડા લઈને આવતા હતા તેઓ દરેક ઘટનાનું એનાલિસિસ કરતા અને ગુજરાતને બદનામ કરવાની કોશિશો કરતા. આવા લોકો કહેતા કે ગુજરાતમાંથી યુવાનો, ઉદ્યોગો, વ્યાપારીઓ બધા જ પલાયન કરશે, ગુજરાત બરબાદ થઈ જશે અને દેશ માટે બોજારૂપ બની જશે. બદનામીના ષડયંત્રો લઈને ચાલનારા લોકોએ નિરાશાનો માહોલ ઊભો કર્યો હતો, તેઓ કહેતા કે ગુજરાત ક્યારેય પગભર નહીં થાય.

વડાપ્રધાને આ સંદર્ભમાં કહ્યું કે, આવા મુસિબતના સમયે તેમણે સંકલ્પ લીધો કે કોઈપણ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લઈ આવું છે, આગળ લઈ જવું છે, આ વિચારમાંથી વાઇબ્રન્ટ સમિટનોપ્રારંભ થયો અને ગુજરાતનું માત્ર પુનઃનિર્માણ નહીં પરંતુ દાયકાઓ આગળનું વિચારી રાજ્યના વિકાસ માટેના કાર્ય સરકારે આરંભ્યા. આ દીર્ઘકાલીન વિકાસનું એક માધ્યમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બની છે.

વડાપ્રધાને કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પરંપરા શરૂ થઇ ત્યારે એ તબક્કે તત્કાલિન કેન્દ્ર સરકાર ગુજરાતના વિકાસ માટે અરુચિ દાખવતી હતી. પરંતુ ગુડ, ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઇકવલ સીસ્ટમ ઓફ ગ્રોથને પરિણામે દેશ-વિદેશના ઉદ્યોગો ગુજરાતમાં આવતા ગયા.

વડાપ્રધાને કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાનો હતો. સમગ્ર દેશે આ પરિકલ્પનાને હકીકતમાં સાકાર થતાં જોઈ છે.

૨૦૧૪માં જ્યારે કેન્દ્રમાં નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેવો સંકલ્પ તેમણે કર્યો હતો. ભારત આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, ભારત ગ્લોબલ ઇકોનોમિક પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે. હવે ભારતને દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન અપાવવું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે, ૨૦મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી, તેને ૨૧મી સદીમાં બદલીને ટ્રેડની સાથે એગ્રીકલ્ચરલ પાવર હાઉસ, ફાઇનાન્સિયલ હબ તેમજ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તરીકે નવી ઓળખ અપાવી. આના કારણે ગુજરાતની વ્યાપારી ઓળખ પણ વધુ મજબૂત બની. આ બધુ વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને આભારી છે, જે આઈડિયા. ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીઝના ઇન્ક્યુબેટર તરીકે કામ કરી રહી છે.

વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ડાઈઝ અને ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઈસ મેન્યફેક્ચરીંગ, પ્રોસેસ્ડ ડાયમંડ, સિરામિક સહિતના ક્ષેત્રોમાં નવા સોપાનો સર કર્યા છે.

ગુજરાત દેશનું ટોપ એક્સપોર્ટર રાજ્ય બની ગયું છે. ગુજરાતે ગત વર્ષે લગભગ ૨ બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બહુ મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવવાનું છે.

તેમણે કહ્યું કે, ભારત આજે દુનિયામાં સસ્ટેનેબિલીટીની બાબતમાં નેતૃત્વ કરી રહ્યું છે. દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વાઇબ્રન્ટ સમિટને કેવી રીતે મહત્તમ લાભ મળી શકે તે અંગે પણ વિચારવું પડશે.

વડાપ્રધાને કહ્યું કે, હવેનો આ સમય વિરામનો સમય નથી. પાછલા ૨૦ વર્ષ કરતા આવનારા ૨૦ વર્ષ વધુ મહત્વના છે. વાઇબ્રન્ટ સમિટની સફળતાના ૪૦ વર્ષ મનાવીએ ત્યારે વિકસિત- આત્મનિર્ભર ભારત તરીકે રાષ્ટ્રને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે, નવી ટેકનોલોજી આવે, નવા રોજગારના અવસરો આવે તેવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાને વાઇબ્રન્‍ટ સમિટનો વિચાર આપ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X